FIIએ છેલ્લા ચાર ત્રિમાસિક ગાળામાં 122 કંપનીમાં પોતાનો હિસ્સો વધાર્યો
- ૧૨૨ પૈકી મોટા ભાગની કંપનીઓ સ્મોલ- મિડકેપ સેગમેન્ટની : ૧૨૨માંથી ૫૨ શેરોમાં નેગેટીવ વળતર
અમદાવાદ, તા. 29 જાન્યુઆરી 2020, બુધવાર
ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની (એફઆઇઆઇ) મહત્ત્વની ભૂમિકા રહેલી છે. છેલ્લા ચાર ત્રિમાસિક ગાળા એટલે કે એક વર્ષના સમયગાળા દરમિયાન બજારમાં વોલેટાલિટી પ્રવર્તતી હોવા છતાં ય એફઆઇઆઇએ ૧૨ જેટલી કંપનીમાં પોતાનો હિસ્સો વધાર્યો છે.
એફઆઇઆઇના યર એન્ડીંગના ડેટા પરથી ઉપલબ્ધ માહિતી મુજબ આ ૧૨૨ કંપની પૈકી મોટા ભાગની કંપનીઓ સ્મોલ- મિડકેપ સેગમેન્ટમાં કાર્યરત છે. સૂચિત સમય દરમિયાન બજારમાં ઉદ્ભવેલ વોલેટાલિટીના કારણે એફઆઇઆઇ લાર્જકેપને છોડીને સ્મોલ- મિડકેપ તરફ વળી છે.
છેલ્લા બે વર્ષથી વિવિધ પ્રતિકૂળતાઓને લઈને સ્મોલકેપ અને મિડકેપ શેરો દબાણ હેઠળ કાર્યરત છે. આ ક્ષેત્રની સારી કંપનીઓના શેર પણ તળિયે ઉતરી આવ્યા છે. આ મુવમેન્ટને ધ્યાનમાં લઈને એફઆઇઆઇએ છેલ્લા એક વર્ષમાં આ સેગમેન્ટના શેરોમાં પોતાનો હિસ્સો વધાર્યો છે.
એફઆઇઆઇના મત અનુસાર લાર્જકેપ શેરોના મૂલ્ય ઉંચા છે તેમજ આ શેરો ઉંચા પીઇથી ટ્રેડ થઈ રહ્યા છે. તેની સરખામણીએ સ્મોલ- મિડકેપ શેરો વ્યાજબી મૂલ્યે ઉપલબ્ધ હોઈ આગામી સમયમાં તેમાં સંગીન સુધારાની શક્યતા હોઈ આ ક્ષેત્રના શેરોમાં પોતાના હોલ્ડિંગમાં વધારો કર્યો છે.
એફ.આઇ.આઇ.એ જે ૧૨૨ કંપનીમાં રોકાણ કર્યું છે તે પૈકીની આઠ કંપનીઓ જેમાં મોડર્ન ઇન્ડિયા, આયર્ન એક્સચેન્જ, એપોલો ટ્રાઇકોટ, આવાસ ફાઇનાન્સ, ગાર્ડન રીચ, એચડીએફસી એએમસી, એમ્યુસ નેટવર્ક અને આઇસીઆઇસીઆઇ સિક્યુરીટીના શેરનું મૂલ્ય એક જ વર્ષમાં બમણું થઈ ગયું છે જ્યારે ૨૪ જેટલા શેરના ભાવમાં ૫૦ ટકાથી વધુનો વધારો જોવાયો છે.
જો કે, બીજી તરફ આ ૧૨૨માંથી ૫૨ જેટલા શેરમાં નેગેટીવ રિટર્ન મળ્યું છે. જેમાં એચઆઇજી, દિશમાન કાર્બોજેન, ગ્રેફાઇટ, કરૂર વૈશ્ય, પરાગ મિલ્કના શેરમાં મોટા પાયે ધોવાણ થયેલું છે. આમ, એક તરફ એફઆઇઆઇને ફાયદો થયો છે તો બીજી તરફ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.