Get The App

ફુગાવો બે ટકાની નજીક પહોંચતા ફેડરલના સપ્ટેમ્બરમાં વ્યાજ દર ઘટાડવા સંકેત

- બેન્ક ઓફ ઈન્ગલેન્ડે ચાર કરતા વધુ વર્ષ પછી પહેલી વખત વ્યાજ દર પા ટકા ઘટાડી પાંચ ટકા

Updated: Aug 2nd, 2024

GS TEAM

Google News
Google News
ફુગાવો બે ટકાની નજીક પહોંચતા ફેડરલના  સપ્ટેમ્બરમાં વ્યાજ દર ઘટાડવા સંકેત 1 - image


મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટિ (એફઓએમસી)એ બે દિવસની બેઠકના અંતે વ્યાજ દર જાળવી રાખ્યો હતો પરંતુ સપ્ટેમ્બરમાં ઘટાડાના સંકેત પણ આપ્યા હતા. બીજી બાજુ બેન્ક ઓફ ઈન્ગલેન્ડે વ્યાજ દરમાં ઘટાડો જાહેર કર્યો છે. 

અમેરિકામાં ફુગાવો ફેડરલના બે ટકાના ટાર્ગેટ તરફ ઘટી રહ્યો હોવાનું  કમિટિએ તેના નિવેદનમાં જણાવ્યું હતું. આ નિવેદનને ધ્યાનમાં રાખતા હવે પછીની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાના સંકેત આવી પડયા છે.

અમેરિકામાં વ્યાજ દર હાલમાં ૫.૨૫થી ૫.૫૦ ટકાની રેન્જમાં છે પરંતુ સપ્ટેમ્બરમાં યોજાનારી બેઠકમાં તેમાં ઘટાડા માટેનો તખ્તો ગોઠવાઈ ગયો છે. અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પહેલા વ્યાજ દરમાં ઘટાડો જોવા મળવાની શકયતા ઊભી થઈ છે.

છેલ્લા કેટલાક સમયથી ફુગાવો સતત નીચે આવી રહ્યો છે ત્યારે કમિટિમાં સર્વસામાન્ય મત પ્રવર્તતો હતો કે ફુગાવા સામેની લડાઈનો અંત હવે નજીક છે. 

ફુગાવાના બે ટકાના વાર્ષિક ટાર્ગેટ માટે ફેડરલ રિઝર્વ પરસનલ કન્ઝમ્પશન એકસપેન્ડીચર  (પીસીઈ) પ્રાઈસ ઈન્ડેકસનો ઉપયોગ કરે છે. પીસીઈ પ્રાઈસ ઈન્ડેકસ જે ૨૦૨૨માં સાત ટકા સુઝી પહોંચી ગયો હતો તે વર્તમાન વર્ષના જૂનમાં ૨.૫૦ ટકા રહ્યો હતો. અમેરિકાનું અર્થતંત્ર મજબૂત ગતિએ વિકસી રહ્યું છે. રોજગાર વૃદ્ધિ મધ્યમ રહી છે, પરંતુ બેરોજગારીનું સ્તર નીચું રહ્યું છે, એમ ફેડરલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું. 

દરમિયાન બેન્ક ઓફ ઈન્ગલેન્ડે ચાર કરતા વધુ વર્ષ પછી પહેલી વખત વ્યાજ દર  પા ટકા ઘટાડી પાંચ ટકા કર્યો છે. માર્ચ ૨૦૨૦ બાદ પહેલી વખત વ્યાજ દર ઘટાડાયા છે. ૫.૨૫ ટકા સાથે ઈન્ગલેન્ડમાં વ્યાજ દર ૧૬ વર્ષની ઊંચી સપાટીએે હતો. 

Tags :