કઠોળની ડયુટી ફ્રી આયાતથી ખેડૂતો અને વેપારીઓ નારાજ, વાવેતર પર પણ અસર
- માર્ચ ૨૦૨૬ સુધી તુવેર, પીળા વટાણા અને અડદની ડયુટી ફ્રી આયાતની મંજૂરી હોવાથી બજારો છલકાયા
અમદાવાદ : કઠોળના ભાવ ઘટાડવા માટે, સરકારે ડયુટી ફ્રી આયાતની મંજૂરી આપી છે, જેના કારણે કેનેડા, આફ્રિકન દેશો અને રશિયાથી મોટા પ્રમાણમાં કઠોળની આયાત થવા સાથે દેશમાં કઠોળના ભાવ લઘુત્તમ ટેકાના ભાવથી નીચે આવી ગયા છે. ભાવમાં ઘટાડાને કારણે કઠોળના વાવેતર પર પણ અસર પડી છે. જેના કારણે ખેડૂતો અને વેપારીઓ નિરાશ થયા છે.
ઉદભવેલ આ પ્રતિકુળ સ્થિતિના કારણે હવે ખેડૂતો અને વેપારીઓએ કેન્દ્રને કઠોળની સસ્તી આયાત પર પ્રતિબંધ મૂકવા રજુઆત કરી છે, જેથી સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રહે અને ખેડૂતોને કઠોળ પાકના વાવેતર હેઠળનો વિસ્તાર વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. તેઓ માને છે કે આ પગલું આગામી ૨ થી ૩ વર્ષમાં દેશને કઠોળમાં આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે.
સરકારે ૧૫ મે, ૨૦૨૧ થી તુવેર અને ડિસેમ્બર ૨૦૨૩ થી પીળા વટાણાની આયાતની મંજૂરી આપી હતી, ત્યારબાદ આ વ્યવસ્થા સમયાંતરે લંબાવવામાં આવી છે. આ વર્ષની શરૂઆતમાં, સરકારે તુવેર અને પીળા વટાણાની ડયુટી-ફ્રી આયાત નીતિ આગામી માર્ચના અંત સુધી લંબાવી હતી. સ્થાનિક બજારમાં તુવેર અને વટાણાનો સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરવા અને સંભવિત ભાવ વધારાને રોકવા માટે આ નિર્ણય૨ લેવામાં આવ્યો હતો.
ડયુટી-ફ્રી આયાત કઠોળના ભાવ પર અસર કરી રહી છે. ચણાના ભાવ ગયા ઓગસ્ટમાં ૮,૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી ઘટીને ૬,૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયા છે, જ્યારે તુવેરના ભાવ ૧૧,૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી ઘટીને ૬૭૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયા છે. આ જ સમયગાળા દરમિયાન પીળા વટાણાના ભાવ ૪,૧૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી ઘટીને ૩,૨૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયા છે.
ભાવમાં ઘટાડાને કારણે, તુવેરના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે. સામાન્ય ચોમાસું હોવા છતાં, જુલાઈના અંત સુધીમાં તુવેરનું વાવેતર વિસ્તાર ૮ ટકા ઘટીને ૩૪.૯૦ લાખ હેક્ટર થયો છે, જે ગયા વર્ષે ૩૭.૯૯ લાખ હેક્ટર હતો. તુવેરનું વાવેતર સામાન્ય રીતે લગભગ ૪૫ લાખ હેક્ટરમાં થાય છે.