માગ વધતા મકાઈની નિકાસ લગભગ અટકી પડી
- ડિસેમ્બરમાં માત્ર ૩૦,૦૦૦ ટન મકાઈની નિકાસ થઈ : ઈથેનોલના ઉત્પાદન માટે કોર્નના ઉપયોગમાં વધારો થતાં સ્થાનિકમાં ભાવ ઊંચકાયા
- જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં ઘરઆંગણે મકાઈના ભાવમા વીસ ટકા જેટલો ઉછાળો
મુંબઈ : ઘરઆંગણે પોલ્ટ્રી તથા ઈથેનોલ ઉદ્યોગ તરફથી માગમાં જોરદાર વધારો થતાં મકાઈની નિકાસ લગભગ અટકી ગઈ છે. ઘરઆંગણે જોરદાર માગને કારણે મકાઈના ભાવ ઊંચકાયા છે, જેને પરિણામે નિકાસ બજારમાં ભારતની મકાઈના ભાવ સ્પર્ધાત્મક રહ્યા નથી એમ બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
ઓકટોબરની સરખામણીએ જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં ઘરઆંગણેની બજારમાં મકાઈના ભાવમા ંવીસ ટકા જેટલો ઉછાળો આવ્યો છે. મકાઈના ભાવ હાલમાં વધી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૨૪૦૦ જેટલા બોલાઈ રહ્યા છે.
સામાન્ય રીતે ભારત દર મહિને અઢીથી ત્રણ લાખ ટન મકાઈની નિકાસ કરે છે, પરંતુ ડિસેમ્બરમાં માત્ર ૩૦,૦૦૦ ટન મકાઈ નિકાસ થઈ હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.
ભારતના પરંપરાગત ખરીદદારો જેમ કે વિયેતનામ, નેપાળ, શ્રીલંકા, મલેશિયા વગેરે હવે મકાઈની ખરીદી માટે દક્ષિણ અમેરિકાના દેશો તરફ નજર દોડાવી રહ્યા છે કારણ કે આ દેશો ભારત કરતા સસ્તા ભાવે મકાઈ ઓફર કરી રહ્યા હોવાનું સ્થાનિક નિકાસકારે જણાવ્યું હતું.
ભારત ખાતેથી મકાઈની નિકાસ લગભગ અટકી પડી છે. સ્થાનિક બજારમાં ઈથેનોલ ઉત્પાદકો તથા પોલ્ટ્રી ઉદ્યોગ તરફથી મકાઈની મજબૂત માગ રહ્યા કરે છે, જેને કારણે ભાવમાં મક્કમતા આવી છે.
ભારતની મકાઈ પ્રતિ ટન ૩૦૦ ડોલર (એફઓબી) સામે વિશ્વ બજારમાં દક્ષિણ અમેરિકાની મકાઈ ૨૩૦ ડોલરમાં ઓફર થઈ રહી છે. આવી સ્થિતિમાં દક્ષિણ એશિયાના દેશોએ તો ભારત ખાતેથી ખરીદી લગભગ અટકાવી દીધી છે.
ઈથેનોલ માટે શેરડીના રસના ઉપયોગ પર અંકૂશ આવ્યા બાદ ઈથેનોલના ઉત્પાદન માટે મકાઈનો વપરાશ વધવા લાગ્યો છે, જેને કારણે પણ ઘરઆંગણે મકાઈના ભાવ ઊંચકાયા છે.
મકાઈમાંથી બનતા ઈથેનોલના પ્રાપ્તિ ભાવમાં સરકારે તાજેતરમાં વધારો કર્યો છે. પ્રાપ્તિ ભાવ વધતા મકાઈના ભાવને પણ ટેકો મળી રહ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.