Business

સપ્લાય ચેઇન ખોરવાતા નિકાસકારોને નુકસાન

By GS TEAM
24 Jun 20252 mins read
સપ્લાય ચેઇન ખોરવાતા નિકાસકારોને નુકસાન

નવી દિલ્હી : ફેડરેશન ઓફ ફ્રેઇટ ફોરવર્ડર્સ એસોસિએશન ઇન ઇન્ડિયાના જણાવ્યા મુજબ માલભાડાના દરો પહેલાથી જ વધવા લાગ્યા છે. પરિસ્થિતિ અનિશ્ચિત લાગે છે. હવે જ્યારે અમેરિકાએ મુખ્ય ઈરાની પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો છે, ત્યારે ઈરાન દ્વારા થોડો બદલો લેવામાં આવશે. આનાથી હાલ પરિસ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે. જે તેલના ભાવ અને શિપિંગ ચાર્જ પર અસર કરશે. 

શિપમેન્ટ પર યુદ્ધ જોખમ પ્રીમિયમ લાદવાનું શરૂ થઈ ગયું છે. આના કારણે, ભારતીય નિકાસકારો પહેલાથી જ હવાઈ અને દરિયાઈ માલભાડા બંનેમાં ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે.

નિકાસ અને આયાતમાં મુખ્ય ભૂમિકા ભજવતી શિપર્સ અને લોજિસ્ટિક્સ કંપનીઓને હોર્મુઝ સ્ટ્રેટમાં વૈશ્વિક શિપિંગ પ્રવૃત્તિઓમાં અરાજકતા તાત્કાલિક દૂર થાય તેની શક્યતા હાલ દેખાતી નથી. કારણ કે અમેરિકાએ ત્રણ ઈરાની પરમાણુ સુવિધાઓ પર બોમ્બમારો કર્યો હતો, ત્યારબાદ ઈરાને પણ ઈઝરાયલ પર હુમલો કરીને બદલો લીધો હતો અને હવે તેણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ચેતવણી આપી છે.

હોર્મુઝની સામુદ્રધુની સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંનો એક છે. સમગ્ર વિશ્વને પૂરા પાડવામાં આવતા ક્રૂડ ઓઇલનો ૨૦ ટકા ભાગ અહીંથી પસાર થાય છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષને કારણે આ માર્ગ લગભગ બે અઠવાડિયાથી ખરાબ રીતે પ્રભાવિત થયો છે.

પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષને કારણે સુરક્ષા પગલાં, વધતા બળતણના ભાવ અને ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાંથી ઝડપી સફર માટે વધુ બળતણ વપરાશ જેવી પરિસ્થિતિઓને કારણે જોખમ અને સંકળાયેલ સંચાલન ખર્ચમાં વધારો થયો છે. આના કારણે શાંઘાઈથી અરબી અખાતના સૌથી મોટા બંદર જેબેલ અલી સુધીના વેપાર પર સરેરાશ સ્પોટ રેટમાં એક મહિના પહેલાની સરખામણીમાં ૫૫ ટકાનો વધારો થયો છે, જે હવે ૨૭૬૧ ડોલર પર પહોંચી ગયો છે.

કાર્ગો કેરિયર્સ હજુ પણ નક્કી કરી શકતા નથી કે અરબી અખાતમાં સેવાઓ બદલવી કે નહીં. પરંતુ જો સંઘર્ષ વધુ ઊંડો થશે, તો સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પડશે અને નૂર દરમાં પણ વધારો થવાની સંભાવના છે.

નિષ્ણાતોના મતે, વર્તમાન કટોકટી ટૂંક સમયમાં ઇંધણ ખર્ચમાં વધારો અને રૂપિયા પર દબાણના સ્વરૂપમાં તેની અસર બતાવી શકે છે. ક્રૂડ તેલ પર દબાણ ઉપરાંત, લાલ સમુદ્ર અને ખાડી માર્ગો દ્વારા કન્ટેનર અને બલ્ક કાર્ગોની હિલચાલને પુનર્ગઠિત કરવામાં વિલંબ, ઉચ્ચ વીમા પ્રિમીયમ અને નૂર અવરોધો છે. 

ભારતમાં નિકાસકારો, ખાસ કરીને બાસમતી ચોખા, ફાર્માસ્યુટિકલ્સ અને એન્જિનિયરિંગ માલ જેવા ક્ષેત્રોમાં, વધતા વિલંબ અને માર્જિન દબાણનો સામનો કરી રહ્યા છે. ઈરાનમાં કેટલાક શિપમેન્ટમાં પહેલાથી જ નૂર પ્રીમિયમમાં ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે એકંદર દરિયાઈ-હવાઈ નૂર ખર્ચ વધી રહ્યો છે.