Business

નિકાસકારોને લોનના રિપેમેન્ટસમાં ચાર મહિનાનું મોરેટોરિઅમ અપાયું

By GS TEAM
16 Nov 20252 mins read
નિકાસકારોને લોનના રિપેમેન્ટસમાં ચાર મહિનાનું મોરેટોરિઅમ અપાયું

મુંબઈ : અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૫૦ ટકા ટેરિફ અને બીજા દેશોના માલ પર પ્રમાણમાં ઓછા ટેરિફ લાગુ કરવાના કારણે વિશ્વ બજારમાં ભારતની નિકાસ સામે વધેલી સ્પર્ધાથી દબાણ હેઠળ આવી ગયેલા દેશના નિકાસકારોને રાહત પૂરી પાડવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા લોનના રિપેમેન્ટસ પર મોરેટોરિઅમ સહિતના કેટલાક પગલાં જાહેર કરવામાં આવ્યા છે.નિકાસકારો દ્વારા લેવાયેલી લોનના રિપેમેન્ટ પર ચાર મહિનાના મોરેટોરિઅમની રિઝર્વ બેન્કે જાહેરાત કરી છે. 

અમેરિકાના ટેરિફને કારણે દેશના ખાસ કરીને લેધર, જેમ્સ એન્ડ જ્વલેરી, કેમિકલ્સ તથા એપરલ ક્ષેત્રના નિકાસકારો પર વધુ અસર પડી છે. 

નિકાસમાં નબળાઈને કારણે  કેશ ફલોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખી નિકાસકારોને ટેકો પૂરો પાડવા આ નિર્ણય આવી પડયો છે. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ના જે વેપાર ગૃહો એકસપોર્ટ ક્રેડિટ વ્યવસ્થા ધરાવતા હશે અને જેમના એકાઉન્ટસ સ્ટાન્ડર્ડ તરીકે વર્ગીકૃત થયા હશે તેઓ આ લાભો માટે પાત્ર ગણાશે, એમ રિઝર્વ બેન્કના નોટિફિકેશનમાં જણાવાયું છે. 

૧લી સપ્ટેમ્બરથી શરૂ થઈ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીના દરેક રિપેમેન્ટસ માટે આ મોરેટોરિઅમનો લાભ મળી રહેશે. 

આ અગાઉ કોરોનાના કાળ દરમિયાન પણ આવાજ પ્રકારની રાહત પૂરી પાડવામાં આવી હતી.

આ પગલાંથી  હાલના અનિશ્ચિત સમયમાં નિકાસકારોનો દેવાની ચૂકવણીનો બોજ હળવો થશે. ટેરિફને કારણે વિશ્વભરમાં વેપાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. 

અન્ય પગલાંઓમાં એકસપોર્ટ ક્રેડિટના રિપેમેન્ટમાં છૂટછાટ તથા પ્રી-શિપમેન્ટ અને શિપમેન્ટ પછીની એકસપોર્ટ ક્રેડિટ માટે મહત્તમ સમયગાળો ૨૭૦ દિવસથી વધારી ૪૫૦ દિવસ કરાયો છે.