Business

Explainer : 8 ડૉલરથી 52,878 કરોડ સુધીની સફર... જાણો IDBI બૅંકના નવા માલિક પ્રેમ વત્સાની પ્રેરણાદાયી સંઘર્ષગાથા

By GS Team
15 Oct 20263 mins read
TukuTouch Logo
હૈદરાબાદના પ્રેમ વત્સા, જેઓ 8 ડૉલર સાથે કેનેડા ગયા હતા, તે હવે IDBI બૅંકને ₹52,878 કરોડમાં ખરીદી રહ્યા છે. IIT મદ્રાસના સ્નાતક વત્સાએ 'ફેરફેક્સ ફાઇનાન્સિયલ' સ્થાપી, જેની સંપત્તિ $109.1 બિલિયન છે. ભારતમાં CSB બૅંક અને થોમસ કૂક સહિત અનેક રોકાણો ધરાવતા વત્સા, IDBI બૅંક સાથે ભારતીય બૅંકિંગમાં મોટો પાયો જમાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer : 8 ડૉલરથી 52,878 કરોડ સુધીની સફર... જાણો IDBI બૅંકના નવા માલિક પ્રેમ વત્સાની પ્રેરણાદાયી સંઘર્ષગાથા

Who is Prem Watsa : ખિસ્સામાં માત્ર 8 ડૉલર લઈને તેઓ એક સાવ અજાણ્યા દેશમાં પોતાનું ભવિષ્ય બનાવવા પહોંચ્યા હતા. વાત છે હૈદરાબાદના પ્રેમ વત્સાની. કોઈ જમાનામાં ઘેર-ઘેર ફરીને ઘરમાં કામ લાગે એવા સાધનો વેચનારી વ્યક્તિ આજે ભારતની મોટી બૅંકોમાંની એક એવી IDBI બૅંકને રૂપિયા 52,878 કરોડમાં ખરીદીને તેના માલિક બનવા જઈ રહ્યા છે. ચાલો જાણીએ એક સામાન્ય યુવાનથી લઈને કેનેડાના 'વોરેન બફેટ' બનવા સુધીની તેમની સંઘર્ષની સંપૂર્ણ કહાની.

શરૂઆતનો સંઘર્ષ અને શિક્ષણ

પ્રેમ વત્સાનો જન્મ 1950 માં હૈદરાબાદમાં થયો હતો. બાળપણથી જ ભણવામાં તેજસ્વી એવા પ્રેમ વત્સાએ 1971માં IIT મદ્રાસમાંથી કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ પિતાની સલાહ માનીને તેઓ વધુ અભ્યાસ માટે કેનેડા ગયા, જ્યાં તેમણે યુનિવર્સિટી ઑફ વેસ્ટર્ન ઓન્ટારિયોની બિઝનેસ સ્કૂલમાંથી MBAનો અભ્યાસ કર્યો.

કેનેડા પહોંચ્યા ત્યારે તેમની પાસે માત્ર 8 ડૉલર હતા. એક નવા દેશમાં પગભર થવું સરળ ન હતું. અભ્યાસની સાથે સાથે રહેવા-જમવાનો ખર્ચ કાઢવા માટે તેમણે ઘરે ઘરે ફરીને હોમ એપ્લાયન્સીસ વેચવાનું કામ શરૂ કર્યું. આ સંઘર્ષના દિવસોએ તેમને બજારની સમજ અને મજબૂત વ્યવસાયિક દૃષ્ટિકોણ આપ્યો.

રોકાણની દુનિયામાં એન્ટ્રીઃ 'ફેરફેક્સ'ની સ્થાપના

વર્ષ 1974માં પ્રેમ વત્સાએ 'કન્ફેડરેશન લાઇફ ઇન્શ્યોરન્સ કંપની'માં સ્ટોક પોર્ટફોલિયો મેનેજર તરીકે નોકરી શરૂ કરી, જ્યાં તેમને વીમા અને રોકાણના જોખમો વિશે ઊંડું જ્ઞાન મળ્યું. બરાબર 10 વર્ષ પછી, 1984માં તેમણે પોતાની ઇન્વેસ્ટમેન્ટ કંપની 'હેમ્બલિન વત્સા ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ' શરૂ કરી.

1985માં તેમણે કેનેડાની એક નાની વીમા કંપની ખરીદી લીધી અને તેનું નામ 'ફેરફેક્સ ફાઇનાન્સિયલ' (Fairfax Financial) રાખ્યું. ફેરફેક્સનો અર્થ ‘વાજબી અને મૈત્રીપૂર્ણ સંપાદન’ એવો થાય છે. લાંબા ગાળાના રોકાણ અને ભવિષ્યની સંભાવનાઓ જોઈને રોકાણ કરવાની તેમની સ્માર્ટ વ્યૂહરચનાને કારણે દુનિયા તેમને 'કેનેડાના વોરેન બફેટ' તરીકે ઓળખવા લાગી. 30 જૂન, 2026 સુધીના આંકડા મુજબ, તેમની કંપની ફેરફેક્સની કુલ સંપત્તિ 109.1 બિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ છે.

ભારતમાં ફેરફેક્સનો વ્યાપ

ફેરફેક્સ ગ્રૂપ ભારતમાં પહેલાથી જ સક્રિય છે. તેમણે બેંગલુરુ ઍરપૉર્ટ મેનેજમેન્ટ, થોમસ કૂક ઇન્ડિયા (ટ્રાવેલ કંપની), IIFL કેપિટલ સર્વિસીસ, વીમા કંપની ગો ડિજિટ અને CSB બૅંકમાં મોટું રોકાણ કરેલું છે. 2018માં નિયમનકારી મંજૂરીઓ સાથે તેમણે CSB બૅંકમાં 51% હિસ્સો ખરીદ્યો હતો.

IDBI બૅંકની ડીલનું સંપૂર્ણ ગણિત

હાલમાં કેન્દ્ર સરકાર અને LIC સંયુક્ત રીતે IDBI બૅંકમાં રહેલો પોતાનો 60.72% હિસ્સો વેચી રહ્યા છે. આ માટે ફેરફેક્સ કંપનીની પેટાકંપની '10955230 કેનેડા ઇન્ક.' ને સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે.
આ ડીલ માટે કોટક મહિન્દ્રા અને એમિરેટ્સ NBD જેવી બૅંકોએ પણ દાવેદારી નોંધાવી હતી, પરંતુ ફેરફેક્સે 52,878 કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવીને આ ડીલ પોતાના નામે કરી છે. કંપનીએ પ્રતિ શેર 75.99 રૂપિયાના બેન્ચમાર્ક સામે 81 રૂપિયાની ઊંચી બોલી લગાવી હતી.

ફેરફેક્સ માટે આ ડીલ કેમ મહત્ત્વની છે?

IDBI બૅંકનું કદ ઘણું વિશાળ છે. 2025-26ના નાણાકીય વર્ષમાં બૅંકનો ચોખ્ખો નફો 27% વધીને 9,513 કરોડ રૂપિયા થયો હતો. બૅંક 6 લાખ કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય કરે છે. દેશભરમાં તેની 2,174 શાખાઓ અને 3,011 ATM છે. તેની સરખામણીમાં ફેરફેક્સની પોતાની CSB બૅંકનો વ્યવસાય જૂન 2026ના ક્વાર્ટરમાં માત્ર 86,282 કરોડ રૂપિયા હતો. IDBI બૅંક મળવાથી ભારતના બૅંકિંગ સેક્ટરમાં ફેરફેક્સ ખૂબ મોટો પાયો જમાવી શકશે.

RBIની ફિટ-ઍન્ડ-પ્રોપર્ટી મંજૂરી જરૂરી છે

આ અગાઉ 2019માં LIC એ 21,624 કરોડ રૂપિયા ચૂકવીને IDBI બૅંકનો 51% હિસ્સો ખરીદ્યો હતો અને તેને ખાનગી બૅંક બનાવી હતી. હવે ફેરફેક્સ આ બૅંકની નવી માલિક બનશે. જોકે, આ ડીલ સંપૂર્ણપણે ફાઇનલ થવા માટે RBIની ફિટ-ઍન્ડ-પ્રોપર્ટી મંજૂરી જરૂરી રહેશે. આ ઉપરાંત, એક મોટી શરત એ પણ છે કે ફેરફેક્સે આગામી 2 વર્ષની અંદર પોતાની CSB બૅંકને IDBI બૅંક સાથે મર્જ કરવી પડશે.

એક સામાન્ય વિદ્યાર્થી તરીકે શરૂઆત કરીને ભારતીય બૅંકિંગ ક્ષેત્રના આટલા મોટા સોદા સુધી પહોંચનાર પ્રેમ વત્સાની આ સફર ખરેખર પ્રેરણાદાયી છે.