યુક્રેન-અમેરિકા વચ્ચે સમાધાનના સંકેતના પગલે યુરોપ, એશીયાના બજારોમાં તોફાની તેજી
- હેંગસેંગ 754 પોઈન્ટ ઉછળ્યો : જર્મનીનો ડેક્ષ 380 પોઈન્ટ ઉછળ્યો : મેટલ-માઈનીંગ શેરોમાં તેજી : એનવિડીયાનો શેર ઉછળ્યો
- ચાઈનાના બેંકોને 55 અબજ ડોલરના પેકેજ, એનવિડીયાના પરિણામ પૂર્વે ઉછાળો ઝેલેન્સકી શુક્રવારે અમેરિકાની મુલાકાત લઈ એગ્રીમેન્ટ કરે એવી શકયતાના
મુંબઈ : યુક્રેન અને અમેરિકા વચ્ચે મિનરલ્સ ડિલ માટે સંમતિના અહેવાલ અને ચાઈનાના બેંકોને ૫૫ અબજ ડોલરના પેકેજ અને એનવિડીયા કોર્પ.ના પરિણામ પૂર્વે આજે વૈશ્વિક બજારોમાં તેજી રહી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેડેલા વૈશ્વિક વેપાર યુદ્વમાં ચાઈનાને ભીંસમાં લેવા ટ્રમ્પ અવારનવાર આકરાં ટેરિફનું શસ્ત્ર ઉગામતા રહી, અમેરિકાના ચાઈનામાં જંગી રોકાણને પાછું ખેંચવાની ચીમકી આપી રહ્યા હોઈ ચાઈનાએ તેના અર્થતંત્રને આ પડકારો વચ્ચે મજબૂત કરવા વળતાં પગલાં લેવા માંડયા છે.
ચાઈનાના ટોપ બિઝનેસ ટાયકૂનો સાથે મીટિંગોનો દોર સાથે હવે ચાઈનાએ તેની બેંકોને ૫૫ અબજ ડોલરનું જંગી પેકેજ-ફંડિંગ જાહેર કરતાં આજે ચાઈનીઝ શેર બજારોમાં તોફાની તેજી જોવાઈ હતી. વૈશ્વિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રે હરિફાઈમાં જાયન્ટ એનવિડીયા કોર્પ.ના પરિણામ જાહેર થતાં પૂર્વે યુરોપ અને અમેરિકાના બજારોમાં ફયુચર્સમાં તેજી રહી હતી. ભારતીય શેર બજારો આજે-બુધવારે મહાશિવરાત્રી નિમિતે બંધ રહ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે કોપરમાં ટેરિફ કે ક્વોટા રાષ્ટ્રની સુરક્ષા માટે જરૂરી છે કે એ માટે વ્યાપક સમીક્ષા કરવાના આદેશ આપતાં અને યુક્રેન તેના ખનીજ ભંડારોના ડેવલપમેન્ટ માટે અમેરિકા સાથે ડિલ કરવા સંમત થયું હોવાના અને યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ ઝેલેન્સકી શુક્રવારે અમેરિકાની મુલાકાત લઈ એગ્રીમેન્ટ કરે એવી શકયતાના અહેવાલોએ વૈશ્વિક માઈનીંગ-મેટલ શેરોમાં તેજી આવી હતી.
ચાઈનાના શાંઘાઈ શેર બજારનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૩૪.૨૯ પોઈન્ટ વધીને ૩૯૫૯.૯૪ રહ્યો હતો. જ્યારે હોંગકોંગ શેર બજારનો હેંગસેંગ ઈન્ડેક્સ ૭૫૩.૯૧ પોઈન્ટ ઉછળીને ૨૩,૭૮૭.૯૩ રહ્યો હતો. અલબત જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ આજે ૯૫.૪૨ પોઈન્ટ ઘટીને ૩૮૧૪૨.૩૭ રહ્યો હતો. બીજી તરફ અમેરિકા-ટ્રમ્પ વિરૂધ્ધ વિશ્વના અન્ય વિકસીત રાષ્ટ્રો ખાસ યુરોપીયન યુનિયનના દેશો એક બની રહ્યા હોઈ અને અમેરિકાને તેની ટેરિફ વોરમાં માત આપવા પડકારવાનો નિર્ધાર કર્યો હોય એમ ફ્રાંસ, યુ.કે.ના રાષ્ટ્ર પ્રમુખોની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત અને યુક્રેન મામલે રશીયાને ફરી અલગ, એકલું કરવાના વ્યુહના મહત્વના ડેવલપમેન્ટે આજે યુરોપના દેશોના શેર બજારોમાં પણ ઉછાળો નોંધાયો હતો.
કોર્પોરેટ પરિણામોની પોઝિટીવ અસરે યુરોપના દેશોના બજારોમાં આઈટી-ટેકનોલોજી શેરોમાં તેજી સાથે મેટલ-માઈનીંગ શેરોમાં ઉછાળો આવ્યો હતો. યુરોપના પ્રમુખ બજારોમાં આજે ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ સાંજે ૧૧૫ પોઈન્ટનો ઉછાળો, જર્મનીની ફેડરલ ચૂંટણી બાદ શરૂ થયેલી ડોઈશ શેર બજારમાં તેજીમાં હવે એડેક્કો ગુ્રપ, એબી ઈનબેવ, ઈ.ઓન, ડેનોન, મુનિચ રી, યુનિપર, સ્ટેલેન્ટિસ, વોલ્ટર્સ, એસ્ટોન માર્ટીન લાગોન્ડા ગ્લોબલ હોલ્ડિંગ્સ, ડોઈશ ટેલીકોમના કોર્પોરેટ પરિણામોના આકર્ષણે ડેક્ષ ઈન્ડેક્સ ૩૮૧ પોઈન્ટનો ઉછાળો અને લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૫૫ પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા. અમેરિકી શેર બજારોમાં સાંજે ફયુચર્સમાં ડાઉ જોન્સ ફયુચર ૧૧૨ પોઈન્ટનો સુધારો અને નાસ્દાક ફયુચર્સમાં ૧૫૦ પોઈન્ટનો ઉછાળો બતાવાતો હતો. સાંજે પ્રિ-ઓપનીંગમાં એનવિડીયા કોર્પ.નો શેર ત્રણ ડોલર જેટલો ઉછળીને ૧૨૯.૫૫ ડોલર નજીક બોલાતો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ નરમાઈ તરફી રહી સાંજે ન્યુયોર્ક-નાયમેક્ષ ૨૨ સેન્ટ ઘટીને ૬૮.૭૧ ડોલર અને બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૩૧ સેન્ટ ઘટીને ૭૨.૭૧ ડોલર નજીક રહ્યા હતા.