એપ્રિલમાં ફંડ હાઉસો દ્વારા ઈક્વિટીની બમણી ખરીદી
- જંગી કેશ ઓન હેન્ડ જાળવી રાખ્યા બાદ ગયા મહિને ફંડો સક્રિય બન્યા
મુંબઈ : સમાપ્ત થયેલા એપ્રિલમાં ફન્ડ મેનેજરો દ્વારા ઈક્વિટીની નેટ ખરીદી માર્ચની સરખામણીએ બમણી રહીને રૂપિયા ૧૬૦૫૦ કરોડ રહી હતી. માર્ચમાં આ આંક રૂપિયા ૧૨૧૪૧ કરોડ રહ્યો હતો. નાણાં વર્ષ ૨૦૨૫માં ફન્ડ હાઉસોની ઈક્વિટી ખરીદી મહિનાની સરેરાશ રૂપિયા ૩૯૦૦૦ કરોડ રહી હતી એમ સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા જણાવે છે.
દેશના શેરબજારોમાં વોલેટિલિટીને ધ્યાનમાં રાખી મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ દ્વારા હાથમાં વધુ રોકડ જાળવી રાખવાનો વ્યૂહ અપનાવાયો હોવાનું જોવા મળ્યું હતું.
ફેબુ્રઆરીના અંતે મ્યુચ્યુઅલ ફન્ડો પાસે કેશ ઓન હેન્ડનો આંક જે રૂપિયા ૧.૮૭ લાખ કરોડ હતો તે માર્ચના અંતે રૂપિયા ૧૮૦૬૧ કરોડ વધી રૂપિયા ૨.૦૫ લાખ કરોડ રહ્યાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું.
ફન્ડ ઉદ્યોગની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)ની ટકાવારીની દ્રષ્ટિએ ફેબુ્રઆરીમાં હાથમાં રોકડની માત્રા જે ૫.૭૬ ટકા હતી તે માર્ચમાં વધી ૫.૮૬ ટકા જોવા મળી હતી.
અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત બાદ દેશના શેરબજારોમાં ફરી વળેલી મંદી ગયા મહિને અટકી હતી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની આગેવાનીમાં તેમાં સુધારો જોવા મળ્યો હતો.
એપ્રિલમાં વિદેશી રોકાણકારોની લેવાલી વચ્ચે શેરબજારોમાં નોંધપાત્ર સુધારો જોવાયો છે જેને પરિણામે નિફટી૫૦ તથા સેન્સેકસ તેમની ૨૦૨૪ના સપ્ટેમ્બરની ઓલટાઈમ હાઈ સપાટીએથી સાત ટકા જેટલા નીચે ટ્રેડ થઈ રહ્યા છે.
ફન્ડ હાઉસો દ્વારા ઈક્વિટીમાં નીકળેલી ખરીદીને ધ્યાનમાં રાખતા ઈક્વિટી સ્કીમમાં ઈન્ફલોમાં વધારો જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
માર્ચમાં ફન્ડોની ઈક્વિટી સ્કીમ્સમાં નેટ ઈન્ફલોસ સતત ત્રીજા મહિને ઘટી રૂપિયા ૨૫૦૮૨ કરોડ રહ્યો હતો. ડિસેમ્બરમાં આ આંક રૂપિયા ૪૧૧૫૬ કરોડ રહ્યો હતો.
શેરબજારનો વર્તમાન સુધારો જળવાઈ રહેશે તો ઈક્વિટી સ્કીમમાં ઈન્ફલોસ વધવાની શકયતા રહેલી છે એમ એક ફન્ડ મેનેજરે જણાવ્યું હતું.