અમદાવાદ : યુએસ-ઈરાન સંઘર્ષના પ્રથમ બે અઠવાડિયામાં તીવ્ર અસ્થિરતાને કારણે સક્રિય ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં આશરે રૂ. ૨.૪ લાખ કરોડનું ધોવાણ થયું છે. ફેબુ્રઆરીના અંતમાં AUM રૂ. ૩૫.૪ લાખ કરોડ હતી, તે ૧૩ માર્ચ સુધીમાં ૬.૭ ટકા ઘટીને રૂ. ૩૩ લાખ કરોડ રહી હતી.
જોકે, AUM માં ઘટાડો ઈક્વિટી બજારોમાં ઘટાડા કરતા ઓછો હતો, જે દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન ઈક્વિટી યોજનાઓનમાં ચોખ્ખો રોકાણ પ્રવાહ ઠલવાતો રહ્યો હતો.
બે અઠવાડિયાના સમયગાળામાં લાર્જ-કેપ ફંડ્સના એયુએમમાં ૭.૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૦૦ માં ૭.૯ ટકાનો ઘટાડો થયો હતો.
ફ્લેક્સી-કેપ ફંડ્સના એયુએમ માં ૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી ૫૦૦ માં ૭.૭ ટકાનો ઘટાડો થયો હતો. સ્મોલ-કેપ ફંડ્સના એયુએમમાં ૫.૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ૨૫૦ ઇન્ડેક્સમાં ૬.૪ ટકાનો ઘટાડો થયો હતો.
ફંડ હાઉસના સુત્રોના મતે, ઇક્વિટી સ્કીમ્સમાં લમ્પ-સમ રોકાણ લગભગ એક વર્ષ સુધી ધીમું રહ્યું હતું પરંતુ આ મહિને તેમાં વધારો થયો છે. રોકાણકારો ઇક્વિટી રોકાણો વધારવા માટે બજારના ઘટાડાનો લાભ લઈ રહ્યા છે.'
બે અઠવાડિયાના સમયગાળા દરમિયાન સક્રિય ઇક્વિટી સ્કીમ્સમાં ચોખ્ખું રોકાણ લગભગ રૂ. ૧૧,૦૦૦ કરોડ હતું.
આ ગતિએ, સમગ્ર મહિના માટે ચોખ્ખું રોકાણ ફેબુ્રઆરી કરતા ઓછું હોઈ શકે છે. એસેટ મેનેજરોના મતે તેઓ ઓછી ઇક્વિટી ફાળવણી ધરાવતા રોકાણકારોને ધીમે ધીમે તેમના રોકાણમાં વધારો કરવાની સલાહ આપી રહ્યા છે કારણ કે મૂલ્યાંકનમાં ઘટાડો થયો છે.


