Get The App

PF ખાતામાંથી હવે પૂરી રકમ ઉપાડી શકાશે પણ મિનિમમ બેલેન્સનો નિયમ ખાસ જાણી લેજો!

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
EPFO Rule Change

EPFO Rule Change: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન (EPFO)એ 7 કરોડથી વધુ મેમ્બર્સ માટે મોટી જાહેરાત કરતા PF ઉપાડની પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે. કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડ (CBT) એ ઉપાડની નવી મર્યાદાને મંજૂરી આપી છે, જેના હેઠળ સભ્યો હવે નક્કી કરેલા ન્યૂનતમ બેલેન્સ સિવાયની બાકીની પૂરી જમા રકમ કોઈ પણ સમસ્યા વિના કાઢી શકશે. આ નિર્ણય સાથે બોર્ડે PF ઉપાડની પ્રક્રિયાને સરળ બનાવવા માટે અન્ય ઘણા નિર્ણયો પણ લીધા છે.

PFના 75% ફંડનો સરળતાથી ઉપાડ શક્ય

આ બેઠક કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં રાજ્ય મંત્રી શોભા કરંદલાજે, સચિવ વંદના ગુરનાની અને EPFO કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિ સહિતના અધિકારીઓ સામેલ હતા. CBTની બેઠકનો સૌથી મહત્ત્વનો નિર્ણય એ છે કે હવે EPFO મેમ્બર્સ PF ખાતામાં ન્યૂનતમ બેલેન્સ (કુલ ફંડના 25%) જાળવી રાખીને, બાકીની 75% રકમ પૂરેપૂરી કાઢી શકશે. આમાં કર્મચારી અને નોકરીદાતા બંનેનો હિસ્સો સામેલ છે.

બેરોજગારી અને નિવૃત્તિ સિવાય પણ PF ઉપાડ શક્ય

અગાઉ, સંપૂર્ણ રકમ ઉપાડવાની મંજૂરી માત્ર બેરોજગારી કે નિવૃત્તિના કિસ્સામાં જ મળતી હતી. બેરોજગારીમાં, એક મહિના પછી 75% અને બે મહિના પછી બાકીની 25% રકમ ઉપાડી શકાતી હતી, જ્યારે નિવૃત્તિમાં એકસાથે પૂરી રકમ મળતી.

શ્રમ મંત્રાલયના નિવેદન મુજબ, CBTના આ મોટા નિર્ણયથી હવે તમામ EPFO સભ્યોને રાહત મળી છે. સભ્યો હવે 25% રકમને ન્યૂનતમ બેલેન્સ તરીકે જાળવી રાખીને બાકીની 75% રકમ આસાનીથી કાઢી શકશે. આનાથી સભ્યને EPFO તરફથી 8.25% વાર્ષિક વ્યાજનો લાભ મળતો રહેશે અને ન્યૂનતમ બેલેન્સ જમા રહેવાથી નિવૃત્તિ ફંડ પણ જોડાતો રહેશે.

આ પણ વાંચો: LG IPO: શેર બજારમાં 50 ટકા પ્રીમિયમ સાથે બમ્પર લિસ્ટિંગ! દિવાળી પહેલા રોકાણકારોને ધનલાભ

આંશિક ઉપાડના નિયમો સરળ બન્યા: સર્વિસ મર્યાદા 12 મહિના કરાઈ

નવી દિલ્હીની આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં અન્ય નિર્ણયો પણ લેવાયા જેમ કે, શિક્ષણ માટે 10 વખત અને લગ્ન માટે 5 વખત સુધી ઉપાડની મંજૂરી અપાઈ છે. અગાઉની 3 આંશિક ઉપાડની મર્યાદા દૂર કરાઈ છે. તેમજ આંશિક ઉપાડ માટે સર્વિસ ટેન્યોરની મર્યાદા બધા માટે એકસમાન કરીને 12 મહિના નક્કી કરવામાં આવી છે, જે નવા કર્મચારીઓ માટે ફાયદાકારક છે.

વળી, કુદરતી આફત કે મહામારી જેવી વિશેષ પરિસ્થિતિઓમાં હવે PFના પૈસા કાઢવા માટે કોઈ કારણ કે ડોક્યુમેન્ટ્સ જણાવવાની કે આપવાની જરૂર રહેશે નહીં. મંત્રાલયે કહ્યું કે આનાથી આંશિક ઉપાડના દાવાઓનો 100% ઓટોમેટિક નિકાલ સુનિશ્ચિત થશે અને ક્લેમ રદ થવાની સંભાવના ઘટશે.

PF ખાતામાંથી હવે પૂરી રકમ ઉપાડી શકાશે પણ મિનિમમ બેલેન્સનો નિયમ ખાસ જાણી લેજો! 2 - image