EPFOની નવી PF સ્કીમ લોન્ચ, તમારે પણ ખાતું ખોલવાનું બાકી હોય તો જાણો પ્રોસેસ

EPFO Employment Enrolement Scheme: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ના 73માં સ્થાપના દિવસ પર કેન્દ્ર સરકારે કર્મચારી નામાંકન યોજના 2025 (એમ્પ્લોયમેન્ટ એનરોલમેન્ટ સ્કીમ 2025) લોન્ચ કરી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર ડો. મનસુખ માંડવિયાએ આ અંગે શનિવારે જાહેરાત કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ કર્મચારીઓને પીએફ સિસ્ટમ સાથે જોડવાનો છે, જે અત્યારસુધી કોઈને કોઈ કારણોસર બહાર રહ્યા છે. સાથે કંપનીઓ અને અન્ય એમ્પ્લોયરને પાત્ર કર્મચારીઓની સ્વેચ્છાએ જાહેરાત અને રજિસ્ટ્રેશન માટે પ્રોત્સાહિત કરવાનો છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ સ્કીમને લોન્ચ કરતાં કહ્યું કે, ઈપીએફઓએ દેશમાં સામાજિક સુરક્ષાનું નેતૃત્વ વધારવા મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, તે માત્ર એક ફંડ જ નહીં, પણ ભારતીય કર્મચારીઓ અને શ્રમિકોના સામાજિક સુરક્ષા પર વિશ્વાસનું પ્રતીક છે.
તાત્કાલિક ધોરણે શરૂ થઈ યોજના
આ યોજના વિશે ગતમહિને જ જાહેરાત થઈ હતી અને 1 નવેમ્બર, 2025થી લાગુ કરવામાં આવી છે. આ સ્કીમ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને કંપનીઓએ પોતાના કર્મચારીઓને આ યોજના સાથે જાતે જ જોડવાના રહેશે. આ યોજનાનો લાભ 1 જુલાઈ, 2017થી 31 ઓક્ટોબર, 2025 દરમિયાન કંપની સાથે જોડાયેલા કર્મચારીઓને મળશે. આ યોજના ઈપીએફ અધિનિયનની ધારા 7 (એ), યોજનાની ધારા 26 (બી) તથા પેન્શન સ્કીમની ધારા 8 હેઠળ તપાસ ચાલી રહી હોય તેવી સંસ્થાઓ પર લાગુ થશે.
EPFO એ પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે, જે કર્મચારીઓ પહેલાથી જ કંપની છોડી ચૂક્યા છે તેમની સામે કોઈ ઓટોમેટિક કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો કર્મચારીના પગારમાંથી PF કાપવામાં નહીં આવે, તો પણ કંપનીને માફી મળશે, તેણે ફક્ત પોતાનું યોગદાન ચૂકવવાનું રહેશે અને તેમાં રૂ. 100 ની નજીવી પેનલ્ટી વસૂલવામાં આવશે. કોઈપણ કર્મચારી પર ભૂતકાળના લેણાંનો બોજ લાદવામાં આવશે નહીં.
કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું?
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, EPFO એ સેવા વિતરણમાં નિષ્પક્ષતા, ગતિ અને સંવેદનશીલતા સુનિશ્ચિત કરતાં નાગરિકોનો વિશ્વાસ મજબૂત બનાવવાનું ચાલુ રાખવું જોઈએ. તેમણે 2047 માં વિકસિત ભારત તરફ આગળ વધતા સામાજિક સુરક્ષામાં વૈશ્વિક ધોરણો સ્થાપિત કરવા હાકલ કરી છે. કેન્દ્રીય મંત્રી માંડવિયાએ X પર પોસ્ટ કરી હતી કે, PM મોદીના નેતૃત્વમાં EPFO એ દેશમાં સામાજિક સુરક્ષાના વ્યાપને નોંધપાત્ર રીતે વિસ્તૃત કર્યો છે. સભ્યોનો સંતોષ EPFOની ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ.
EPFO એક જાહેર-કેન્દ્રિત સંસ્થા છે.
શ્રમ અને રોજગાર સચિવ વંદના ગુરનાનીએ EPFO ના અનુપાલન-આધારિત સંસ્થામાંથી નાગરિક-કેન્દ્રિત સંસ્થામાં ઉત્ક્રાંતિની પ્રશંસા કરતાં કહ્યું કે, દરેક ફાઇલ પાછળ એક સમર્પિત કર્મચારી, એક પરિવાર અને એક સ્વપ્ન છુપાયેલું હોય છે. દરેક કર્મચારી સાથે સંપૂર્ણ આદર અને ગૌરવપૂર્વક વર્તન કરવું જોઈએ, કારણ કે સામાજિક સુરક્ષા ફક્ત સિસ્ટમ વિશે નથી, પરંતુ લોકો વિશે પણ છે.

