Get The App

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
EPFO Big Update

EPFO Big Update: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના 7 કરોડથી વધુ સભ્યો માટે ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા જઈ રહ્યું છે. અત્યાર સુધી માત્ર 5 લાખ રૂપિયા સુધીના આંશિક અથવા એડવાન્સ ક્લેમનું જ ઓટોમેટિક સેટલમેન્ટ થતું હતું, જેની સમયમર્યાદા ત્રણ દિવસની હતી. પરંતુ હવે EPFO ટૂંક સમયમાં 'ફાઈનલ પીએફ ફંડ સેટલમેન્ટ'ને પણ સંપૂર્ણપણે ઓટોમેટિક કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ફેરફાર બાદ, નોકરી છોડ્યા પછી પીએફના પૈસા મેળવવા માટે સભ્યોએ લાંબો સમય રાહ જોવી પડશે નહીં અને નાણાં સીધા બેન્ક ખાતામાં ખૂબ જ ઝડપથી ટ્રાન્સફર થઈ જશે.

ATM અને UPI દ્વારા પીએફ ઉપાડવાની સુવિધા

ડિજિટલ ઈન્ડિયાના યુગમાં EPFO એક ક્રાંતિકારી ફેરફાર કરવા જઈ રહ્યું છે. મે મહિનાના અંત સુધીમાં સભ્યો માટે ATM અને UPI દ્વારા સીધા પીએફના નાણાં ઉપાડવાની સુવિધા શરૂ થવાની અપેક્ષા છે. આ સુવિધા 'EPFO-3.0' અપગ્રેડનો એક ભાગ છે. નવા સિસ્ટમ હેઠળ EPFO નવા ATM કાર્ડ પણ જારી કરી શકે છે, જેથી સભ્યોએ કોઈ પણ દસ્તાવેજ જમા કરાવ્યા વગર કે ઓફિસના ધક્કા ખાધા વગર પોતાની જરૂરિયાત મુજબ રકમ ઉપાડી શકશે.

નોકરી બદલવા પર ફોર્મ ભરવાની પળોજણમાંથી મુક્તિ

કેન્દ્રીય પીએફ કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું છે કે, જો કોઈ સભ્ય નોકરી બદલે છે, તો તેના પીએફ ખાતાના ઓટોમેટિક ટ્રાન્સફરની સુવિધા પણ શરૂ કરવામાં આવી રહી છે. હવે જૂના ખાતામાંથી નવા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. EPFO આપમેળે તમારા ખાતાને નવા મેમ્બર આઈડી સાથે લિંક કરી દેશે. આ સિવાય, નવા લેબર કોડ હેઠળ EPF સ્કીમ 1952, ઇન્શ્યોરન્સ સ્કીમ 1976 અને પેન્શન સ્કીમ 1995ને પણ નવા સુધારાઓ સાથે ફરીથી નોટિફાય કરવામાં આવશે.

આ પણ વાંચો: બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ

શ્રમિકોના હિતોનું રક્ષણ અને ઉદ્યોગોની જવાબદારી

કેન્દ્રીય શ્રમ સચિવ વંદના ગુરનાનીએ આ પ્રસંગે ભાર મૂક્યો હતો કે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે શ્રમિકો સાથે કોઈ અન્યાય ન થાય. તેમણે ઉદ્યોગ જગતને અપીલ કરી હતી કે આ સુધારાઓને માત્ર કાયદાકીય પાલન તરીકે ન જોતા, તેને કર્મચારીઓના કલ્યાણ અને કાર્યક્ષમતા વધારવા માટેની એક પ્રતિબદ્ધતા તરીકે સ્વીકારવા જોઈએ. EPFO દ્વારા કરવામાં આવી રહેલા આ ફેરફારોથી કરોડો પગારદાર કર્મચારીઓના જીવનમાં મોટી રાહત આવશે.