Get The App

અમેરિકા સાથે ભારતના વેપાર કરાર સમતુલિત રાખવા પર ભાર

- ભારત કદાચ ઓટોમોબાઈલ સહિતના અનેક ઔદ્યોગિક માલસામાન પર ટેરિફ ઘટાડવા સહમત થશે

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકા સાથે  ભારતના વેપાર કરાર સમતુલિત  રાખવા પર ભાર 1 - image


મુંબઈ : અમેરિકા સાથે કોઈપણ વેપાર કરાર સમતુલિત  રાખવાના રહેશે અને નહીં કે રાજકીય રીતે  પ્રેરિત. વેપાર કરારમાં કૃષિ, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર જેવા  ક્ષેત્રોનું રક્ષણ થાય તેની ખાતરી રાખવી રહી એમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ (જીટીઆરઆઈ)  દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની વાટાઘાટ વોશિંગ્ટનમાં અંતિમ તબક્કામાં છે. બીજી બાજુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા ટેરિફ સ્થગિતિની મુદત ૯ જુલાઈના સમાપ્ત થઈ રહી છે.

ભારત તથા અમેરિકા વચ્ચેના વેપાર કરાર પણ યુકે-અમેરિકા જેવા મર્યાદિત વેપાર કરાર જેવા જોવા મળવાની શકયતા હોવાનું જીટીઆરઆઈના  સ્થાપક અજય શ્રીવાસ્તવને ટાંકીને પીટીઆઈએ જણાવ્યું હતું. 

અમેરિકા સાથેના કોઈપણ કરાર રાજકીય પ્રેરિત  અથવા એકતરફી હોવા ન જોઈએ. સૂચિત કરાર આપણા ખેડૂતો, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર તથા આપણી નિયમનકારી સાર્વભોમતાનું રક્ષણ કરનારા હોવા જોઈશે. 

ભારતના કેટલાક અધિકારીઓ હાલમાં વોશિંગ્ટન ખાતે અમેરિકાના તેમના સમોવડિયા સાથે કરાર સંદર્ભમાં વાટાઘાટ કરી રહ્યા છે. અને ટેરિફ લાગુ થાય તે પહેલા વચગાળાના કરાર કરી લેવા બન્ને દેશો ઈચ્છી રહ્યા છે. 

મુદત પૂરી થવા પહેલા જો કરાર નહીં થાય તો, અમેરિકા ખાતે ભારતની નિકાસ પર ૧૦ ટકાના લઘુત્તમ ટેરિફ લાગુ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. જે ૨૬ ટકા ટેરિફના જોખમ કરતા ઓછા ગંભીર છે એમ અન્ય એક અન્ય સમાચાર સંસ્થાના અહેવાલમાં જણાવાયું હતું.

અમેરિકા સાથેના પ્રારંભિક કરારમાં ભારત કદાચ ઓટોમોબાઈલ સહિતના અનેક ઔદ્યોગિક માલસામાન પર ટેરિફ ઘટાડવા સહમત થશે તેમ જીટીઆરઆઈ માની રહ્યું છે. 

કૃષિમાં ટેરિફ રેટ કવોટાસ મારફત મર્યાદિત બજાર પૂરુ પડાવાની શકયતા છે. ઈથેેનોલ, સફરજન, બદામ, અવાકાડો પરની ડયૂટીમાં ઘટાડો થવાની શકયતા છે. જો કે ચોખા, ઘઉં તથા ડેરી પ્રોડકટસમાં ભારતે સખતાઈ રાખવાની રહેશે કારણ કે આ ઉત્પાદનો આપણા ગ્રામ્ય ક્ષેત્રોની જીવાદોરી છે એવી પણ દલીલ કરવામાં આવી રહી છે. 


Tags :