2027-28 સુધીમાં કુલ વાહનોના વેચાણમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 7 ટકાએ પહોંચશે : ICRA
- સરકારના 2030 સુધીમાં 30% બજાર હિસ્સાના અંદાજ સામે
- નવી કંપનીઓના પદાર્પણથી બજારમાં ગ્રાહક આકર્ષણ વધશે, દુર્લભ ખનીજોનો પડકાર જલદી જ દૂર થશે
અમદાવાદ : આજકાલ ઓટો ઈન્ડસ્ટ્રી માટેના સૌથી મોટા પડકાર રેર અર્થ એલિમેન્ટ મુદ્દાના સમયસર ઉકેલ અને નવી કંપનીઓના પદાર્પણ તથા કંપનીઓ દ્વારા નવા મોડેલ ઓફરિંગના જોરે કુલ કાર વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનો (ઈવી)નો હિસ્સો નાણાંકીય વર્ષ ૨૦૨૭-૨૮ સુધીમાં વધીને ૭ ટકાને પાર નીકળશે તેમ રેટિંગ એજન્સી કેરએજ એડવાઇઝરીના અહેવાલમાં અંદાજ મુકવામાં આવ્યો છે.
આ વૃદ્ધિ દેશમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાના સરકારના પ્રયાસો પર પણ નિર્ભર રહેશે. ભારતના ઇલેક્ટ્રિક કાર ઇકોસિસ્ટમે છેલ્લા ત્રણ વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેરએજ એડવાઇઝરી અને રિસર્ચના અહેવાલમાં જણાવાયું છે કે 'ભારતમાં ઇલેક્ટ્રિક કારનો હિસ્સો નાણાં વર્ષ ૨૦૨૮ સુધીમાં ૭ ટકાને વટાવી જવાની ધારણા છે. કુલ ઈવી વેચાણમાં ફોર-વ્હીલરનો હિસ્સો હાલમાં ઓછો છે, ટુ-વ્હીલર અને થ્રી- વ્હીલરનું પ્રભુત્વ છે. જોકે, ફોર-વ્હીલર ઈવી સેગમેન્ટ હવે ટોપ સ્પીડમાં વધશે.
અહેવાલમાં જણાવાયું છે કે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી રહી છે, જે ઐતિહાસિક રીતે ભારતમાં ઈવી સ્વીકૃતિમાં સૌથી મહત્વપૂર્ણ અવરોધોમાંનો એક રહ્યો છે. ઈવી ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યા વર્ષ ૨૦૨૦-૨૧ના ૫૦૦૦થી વધીને ૨૦૨૪-૨૫માં ૧.૦૭ લાખથી વધુ થવાનો અંદાજ છે. જાહેર ઈવી ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા ૨૦૨૨ના ૫૧૫૧થી વધીને ૨૦૨૪-૨૫ની શરૂઆતમાં ૨૬,૦૦૦થી વધુ એટલેકે લગભગ પાંચ ગણી વધી છે. સરકારે વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં કુલ વાહનોના વેચાણમાં ૩૦ ટકા ઈલેક્ટ્રિક વાહનોના વેચાણના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને આ પરિવર્તનને સક્ષમ બનાવવામાં સક્રિય ભૂમિકા પણ ભજવી રહી છે.