ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં જુલાઈમાં 93%નો નોંધપાત્ર વધારો
- ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનોના વેચાણમાં ૫૨ ટકાની વૃદ્ધિ
અમદાવાદ : તહેવારોની સીઝન પહેલાં જ ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં જુલાઈ, ૨૦૨૫ના બમ્પર વધારો જોવા મળ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા) અનુસાર ગત વર્ષના જુલાઈની સરખામણીમાં આ વર્ષે જુલાઈમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં ૯૩ ટકાનો આશ્ચર્યજનક ઉછાળો નોંધાયો છે.
આ આંકડા ફક્ત ઓટો ઉદ્યોગ માટે જ નહીં પરંતુ ગ્રીન મોબિલિટીના ભવિષ્ય માટે પણ મોટો સંકેત આપી રહ્યા છે.
ફાડાના ડેટા અનુસાર જુલાઈમાં કુલ ૧૫,૫૨૮ ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનો નોંધાયા હતા, જ્યારે ગત વર્ષના આ જ મહિનામાં વેચાણનો આંકડો ૮૦૩૭ હતો. ટાટા મોટર્સે આ સેગમેન્ટમાં પ્રભુત્વ મેળવ્યું હતું. જુલાઈમાં ૬૦૪૭ યુનિટ વેચાયા હતા. ગત વર્ષે જુલાઈમાં ૫૧૦૦ યુનિટ કરતાં ૧૯ ટકા વધુ છે.
પેસેન્જર ઈવી સેગમેન્ટે રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું હોવા છતાં આ વખતે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જુલાઈ, ૨૦૨૫માં આ કેટેગરીનું કુલ વેચાણ લગભગ ૪ ટકા ઘટીને ૧,૦૨,૯૭૩ યુનિટ રહ્યું, જે ગત વર્ષે જુલાઈમાં ૧,૦૭,૬૫૫ યુનિટ હતું. આમ છતાં ટીવીએસ મોટર કંપનીએ આ સેગમેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો અને ૨૨,૨૫૬ યુનિટના વેચાણ સાથે ૧૩ ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે.
જુલાઈ ૨૦૨૫માં ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર માર્કેટમાં વાર્ષિક ૯ ટકા વૃદ્ધિ નોંધાઈ છે અને તેમાં કુલ ૬૯,૧૪૬ યુનિટ નોંધાયા છે. મહિન્દ્રા ગુ્રપે આ સેગમેન્ટમાં પ્રભુત્વ મેળવ્યું છે અને કુલ ૯૭૬૬ યુનિટ વેચ્યા છે, જે વાર્ષિક દ્રષ્ટિએ ૪૦ ટકા વધુ છે.
રસપ્રદ આંકડો ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહન કેટેગરીનો છે જેમાં વાર્ષિક ધોરણે ૫૨ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જુલાઈમાં ૧૨૪૪ યુનિટ નોંધાયા છે.