ટ્રમ્પના ટેરિફની ઈફેક્ટ, શેરબજારે લગાવી ડૂબકી, સેન્સેક્સમાં 600, નિફ્ટીમાં 200 પોઈન્ટનો કડાકો
Sensex and Nifty News : ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે 50%થી વધુ ટેરિફ લગાવી દીધો છે ત્યારે આ ટેરિફ અમલી થયા બાદ આજે પહેલીવાર શેરબજાર ખુલ્યું અને તેમાંય બજારમાં અનેક સ્ટોક્સમાં લાલાશ છવાઈ ગઈ. સેન્સેક્સમાં 600 તો નિફ્ટીમાં 200 જેટલા પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો.
શું છે સેન્સેક્સ-નિફ્ટીની સ્થિતિ?
અત્યાર સુધીની માહિતી અુનસાર સેન્સેક્સમાં 657 પોઈન્ટનો કડાકો બોલાઈ જતાં તે 80124ના લેવલ પર ટ્રેડ કરતો જોવા મળ્યો જ્યારે નિફ્ટી પણ 200 પોઈન્ટ તૂટીને 24152ના લેવલ પર ટ્રેડ થતો દેખાયો. આ સાથે રોકાણકારોને મોટું નુકસાન થયું હતું. બજારમાં ઘટાડા સાથે આઈટી ટેક કંપનીઓ સાથે જ બેન્કિંગના સ્ટોક્સમાં પણ કડાકો બોલાઈ ગયો હતો.
ખુલતાની સાથે જ બજાર તૂટ્યો
ઉલ્લેખનીય છે કે 27 ઓગસ્ટના રોજ ટ્રમ્પ દ્વારા ભારત પર વધારાનો 25% ટેરિફ લાદવામાં આવ્યો હતો, પરંતુ ગણેશ ચતુર્થીના અવસર પર ભારતીય શેરબજાર બંધ હતું. ત્યારે આજે ગુરુવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે ટેરિફની સીધી અસર સેન્સેક્સ-નિફ્ટી પર જોવા મળી. BSEનો સેન્સેક્સ તેના અગાઉના બંધ 80786.54 ની સરખામણીમાં 80754 પર ખુલ્યો અને પછી થોડીવારમાં તે 657.33 પોઈન્ટના ઘટાડા સાથે 80124 પર ટ્રેડ થતો જોવા મળ્યો. NSE નિફ્ટીની વાત કરીએ તો આ ઇન્ડેક્સ તેના અગાઉના બંધ 85712.05 ની સરખામણીમાં 24659.80 પર ખુલ્યો અને પછી સેન્સેક્સની જેમ તે 200 પોઈન્ટનો તીવ્ર ઘટાડા સાથે 24152 ના સ્તરે પહોંચી ગયો.