17000 કરોડના લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને EDનું સમન્સ, જાણો ક્યારે હાજર થવું પડશે
ED Summons Anil Ambani : ઇડીએ રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને એમ.ડી.અનિલ અંબાણીને કથિત 17000 કરોડ રૂપિયાના લોન ફ્રોડ કેસની તપાસ મામલે પૂછપરછ કરવા સમન્સ મોકલાવ્યું છે. આ મામલે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે 5 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં આવેલા ઈડી હેડક્વાર્ટરે તેમને હાજર થવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્રીય તપાસ એજન્સીએ અનિલ અંબાણી સાથે સંકળાયેલા વ્યવસાયિક સંસ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી હતી.
ગત અઠવાડિયે થઇ હતી દરોડાની કાર્યવાહી
ગત અઠવાડિયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલી 50 વ્યવસાયિક સંસ્થાઓ અને 25 વ્યક્તિઓ પર દરોડા પાડ્યા હતા. મુંબઈમાં ઓછામાં ઓછા 35 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. 24 જુલાઈના રોજ કથિત બેંક લોન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસ હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા, ઉપરાંત કેટલીક કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાની નાણાકીય અનિયમિતતાના અન્ય ઘણા આરોપો પણ હતા.
સીબીઆઈ બાદ ઈડીની તપાસમાં એન્ટ્રી
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા બે FIR નોંધાયા બાદ ED એ દરોડા પાડ્યા હતા. ED ના સૂત્રોએ અગાઉ કહ્યું હતું કે તપાસ મુખ્યત્વે 2017-2019 દરમિયાન યસ બેંક દ્વારા અનિલ અંબાણીની કંપનીઓને આપવામાં આવેલા લગભગ 3,000 કરોડ રૂપિયાના ગેરકાયદેસર લોન ડાયવર્ઝનના આરોપો સાથે સંબંધિત છે. ED ના સૂત્રોના જણાવ્યા અનુસાર, અનિલ અંબાણીની કંપનીઓને લોન આપવામાં આવી તે પહેલાં, યસ બેંકના પ્રમોટરોને તેમના વ્યવસાયમાં પૈસા મળ્યા હતા. એજન્સી લાંચ અને લોનના આ જોડાણની તપાસ કરી રહી છે.