અનિલ અંબાણી વિરુદ્ધ EDની વધુ એક કાર્યવાહી, રૂ.1400 કરોડની સંપત્તિઓ જપ્ત

ED Action On Anil Ambani: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ અનિલ અંબાણી અને તેમના ગ્રૂપ કંપનીઓ સામે કથિત લોન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે ₹1400 કરોડથી વધુ મૂલ્યની અનેક પ્રોપર્ટીઝ જપ્ત કરી છે. સૂત્રોના અહેવાલ મુજબ મુંબઈ, ચેન્નઈ, પૂણે અને ભુવનેશ્વરમાં ફેલાયેલી આ સંપત્તિઓને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA)ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી સીધી રીતે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપ સાથે જોડાયેલી છે.
જપ્તીનો કુલ આંકડો ₹9,000 કરોડની નજીક
આ કાર્યવાહીના પરિણામે ચાલી રહેલી તપાસમાં અંબાણી ગ્રૂપની અત્યાર સુધીમાં કુલ જપ્ત કરાયેલી સંપત્તિઓનું મૂલ્ય લગભગ ₹9000 કરોડ સુધી પહોંચી ગયું છે. કેન્દ્રીય એજન્સીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ(RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ(RCFL) દ્વારા જાહેર ભંડોળના કથિત ડાયવર્ઝન અને લોન્ડરિંગના કેસમાં આ સંપત્તિઓ જપ્ત કરી છે.
અગાઉના એક પ્રવક્તાના નિવેદન મુજબ, 'વર્ષ 2017થી 2019 દરમિયાન, યસ બેન્કે RHFL ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ₹2965 કરોડ અને RCFL ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ₹2045 કરોડનું રોકાણ કર્યું હતું. જોકે, ડિસેમ્બર 2019 સુધીમાં આ રોકાણ નોન-પર્ફોર્મિંગ ઇન્વેસ્ટમેન્ટ્સમાં પરિવર્તિત થઈ ગયું હતું, જેમાં RHFLના ₹1353.50 કરોડ અને RCFLના ₹1984 કરોડ બાકી હતા.'
અગાઉની જપ્તી અને સુપ્રીમ કોર્ટની કાર્યવાહી
આ મહિનાની શરૂઆતમાં EDએ અનિલ અંબાણી સાથે જોડાયેલી આશરે ₹3084 કરોડની સંપત્તિઓ કામચલાઉ ધોરણે જપ્ત કરી હતી. આ સંપત્તિઓમાં મુંબઈનું એક ઘર, દિલ્હીમાં આવેલી રિલાયન્સ સેન્ટર પ્રોપર્ટી અને દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, મુંબઈ, પૂણે, થાણે, હૈદરાબાદ, ચેન્નઈ, કાંચીપુરમ અને પૂર્વ ગોદાવરી સહિતના વિવિધ શહેરોની અન્ય પ્રોપર્ટીઝનો સમાવેશ થતો હતો.
આ પણ વાંચો: OFS દ્વારા કંપનીઓએ રૂ.96,000 કરોડ એકત્ર કર્યા
એજન્સીએ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA)ની કલમ 5(1) હેઠળ 31 ઑક્ટોબરે આદેશો જાહેર કર્યા હતા, જેના પગલે ઓફિસ પરિસર, રહેણાંક અને જમીન સહિતની આ સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી.
આ ઉપરાંત, મંગળવારે સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણી પ્રમોટેડ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ અને અન્ય કંપનીઓ દ્વારા કથિત બેન્ક છેતરપિંડીના મામલામાં કોર્ટની દેખરેખ હેઠળ તપાસ(કોર્ટ-મોનિટરિંગ)ની માગ કરતી અરજી પર નોટિસ જાહેર કરી છે.

