મજબૂત માગને પગલે આર્થિક વિકાસ દરનો અંદાજ વધારી 6.90 ટકા મુકાયો
- ફીચ દ્વારા ૨૦૨૫ના વર્ષ માટે વૈશ્વિક જીડીપી અંદાજમાં ઘટાડો
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૫-૨૬ માટે ભારતના આર્થિક વિકાસ દર ના અંદાજને રેટિંગ એજન્સી ફીચે ૬.૫૦ ટકા પરથી નોંધપાત્ર વધારી ૬.૯૦ ટકા કર્યો છે. ઘરઆંગણેની માગ વૃદ્ધિ દર માટેનું મુખ્ય પરિબળ બની રહેશે.
ઉપભોગતાઓની મજબૂત આવક ખર્ચને ટેકો પૂરો પાડશે. જો કે નાણાં વર્ષ ૨૦૨૭ તથા ૨૦૨૮ માટે આર્થિક વિકાસ દર મંદ પડી અનુક્રમે ૬.૩૦ ટકા અને ૬.૨૦ ટકા રહેવાની ફીચ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે.
વૈશ્વિક જીડીપી વૃદ્ધિ દર વર્તમાન વર્ષમાં નોંધપાત્ર મંદ રહેવાની પણ ધારણાં મૂકવામાં આવી છે. ૨૦૨૫માં વૈશ્વિક આર્થિક વિકાસ દર ૨.૪૦ ટકા રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષના ૨.૯૦ ટકાની સરખામણીએ નીચો છે.
ભારતની જેમ ફીચે ચીનના આર્થિક વિકાસ દરના અંદાજને પણ ૪.૨૦ ટકા પરથી વધારી ૪.૭૦ ટકા મૂકયો છે. યુરોઝોનનો વિકાસ દરનો અંદાજ ૦.૮૦ ટકા પરથી વધારી ૧.૧૦ ટકા મુકાયો છે જ્યારે અમેરિકા માટેનો આ આંક ૧.૫૦ ટકા પરથી વધારી ૧.૬૦ ટકા કરાયો છે.
ભારતના માલસામાન પર અમેરિકાના ટેરિફ તબક્કાવાર નીચા લઈ જવાશે પરંતુ વેપાર સંબંધોમાં અનિશ્ચિતતાથી વેપાર માનસ ખરડાશે જેની અસર ઈન્વેસ્ટમેન્ટ પર જોવા મળશે એમ પણ ફીચ દ્વારા નોંધવામાં આવ્યું છે.
જો કે ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં સુધારાથી ઉપભોગ ખર્ચમાં વધારો જોવા મળશે. સારા ચોમાસાને કારણે ખાધ્ય પદાર્થનો ફુગાવો નબળો રહેશે. રિઝર્વ બેન્ક વર્તમાન વર્ષના અંતમાં રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરશે તેવી પણ ધારણાં છે.