Get The App

સોનાચાંદીની જ્વેલરીની નિકાસ પેટેના ડયૂટી ડ્રોબેક દરમાં વધારો કરાયો

- કાચા માલની કિંમતમાં જોરદાર વધારાને ધ્યાનમાં રાખી લેવામાં આવેલો નિર્ણય

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
સોનાચાંદીની જ્વેલરીની નિકાસ પેટેના ડયૂટી ડ્રોબેક દરમાં વધારો કરાયો 1 - image

મુંબઈ : અમેરિકાના ટેરિફ તથા ઈરાન યુદ્ધને કારણે તાજેતરમાં દેશમાંથી નિકાસને પડેલા ફટકા ઉપરાંત કાચા માલના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખી સરકાર વિવિધ માલસામાનના નિકાસકારોને રાહત પૂરી પાડવાના પગલાં લે છે. આ પગલાંના ભાગરૂપ સરકારે સોનાચાંદીની જ્વેલરીના નિકાસકારોને રાહત આપવા નિર્ણય કર્યો છે. 

દેશના સોનાચાંદીની જ્વેલરીના નિકાસકારોને રાહત પૂરી પાડવાના ભાગરૂપ સરકારે ડયૂટી ડ્રોબેક નિયમો હેઠળ નિકાસકારોને વધુ રિફન્ડસ પૂરા પાડવા નિર્ણય કર્યો છે. 

૨૪ એપ્રિલના જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે સોનામાંથી બનેલી જ્વેલરી અને પાર્ટસ માટેના નવા ડયૂટી ડ્રોબેક દર જે અગાઉ પ્રતિ ગ્રામ રૂપિયા ૬૩૯.૫૯ હતા તે વધારી રૂપિયા ૭૭૩.૧૭ કરાયા છે. આજ રીતે ચાંદીમાંથી બનેલી જ્વેલરી તથા તેના પાર્ટસ પેટેના દર જે અગાઉ પ્રતિ કિલો રૂપિયા ૯૦૮૯.૩૩ હતા તે વધારી રૂપિયા ૧૪૯૯૦.૬૬ કરાયા છે. 

નિકાસ માટેના માલસામાનના ઉત્પાદન પેટે આયાત કરાયેલા કાચા માલ પર વસૂલવામાં આવતી કસ્ટમ્સ તથા એકસાઈઝ ડયૂટીને નિકાસકારોને ડયૂટી ડ્રોબેકના સ્વરૂપમાં રિફન્ડ આપવામાં આવે છે. 

અમેરિકા દ્વારા ટેરિફમાં અવારનવાર કરાઈ રહેલા ફેરબદલથી દેશના સોનાચાંદીના નિકાસકારોની વૈશ્વિક સ્પર્ધાત્મકતા પર અસર પડી છે. 

ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતાને કારણે તાજેતરમાં સોનાચાંદીના વૈશ્વિક ભાવમાં જોરદાર વધારો થયો છે જેેને કારણે આ કિંમતી ધાતુની આયાત મોંઘી પડી રહી છે.