ગોરા થવાની ક્રીમ વેચતા કે ટાલ પર વાળ ઉગાડનારા ચેતજો
- છેતરામણી જાહેર ખબરો આપનારને કડક સજાની જોગવાઇ
- કેન્દ્ર સરકાર સખત પગલાં લેવાની તૈયારી કરે છે
નવી દિલ્હી તા, 5 ફેબ્રુઆરી 2020, બુધવાર
શામળા લોકોને ગોરા થવાની લાલચ આપીને ક્રીમ વેચતી કંપનીઓ કે ટાલ પર વાળ ઊગાડવાને નામે તેલ વેચતી કંપનીઓએ હવે સમયસર ચેતી જવાની જરૂર છે.
આવી કંપનીઓ સામે કડક હાથે કામ લેવા કેન્દ્ર સરકાર કમર કસી રહી હોવાની માહિતી મળી હતી.
બોગસ પ્રોડક્ટ બનાવતી અને વેચતી કંપનીઓ પકડાશે તેા એના સંચાલકોને મિનિમમ બે વર્ષની જેલ અને દસ લાખ રૂપિયાના દંડની સજા થશે એવી જોગવાઇ કેન્દ્ર સરકાર કરી રહી હતી.
આ ઉપરાંત શીઘ્રપતન રોકતી દવાઓ, જાતીય શક્તિ વધારતી દવાઓ. લિંગ પરિવર્તનની લાલચ આપતી દવાઓ, નપુંસકતા દૂર કરતી કે શુક્રાણુ વધારતી દવાઓ અને આ પ્રકારની બીજી છેતરામણી પ્રોડક્ટની જાહેરખબરો કરતી કંપનીઓ સામે કેન્દ્ર સરકાર લાલ આંખ કરી રહી હોવાનું સરકારી પ્રવક્તા કહે છે.
એક કરતાં વધુ વખત ભૂલ કરનારને પાંચ વર્ષની જેલ અને પચાસ લાખ રૂપિયાનો દંડ પણ થઇ શકે છે.
મૂળ 1954ના આ કાયદામાં હવે સુધારો કરીને સજા વધારવામાં આવવા ઉપરાંત કાયદાની જોગવાઇનો વ્યાપ પણ વધારવામાં આવ્યો હતો. ઓડિયો, વિડિયો, (લાઇટ, સાઉન્ડ, સ્મોક, ગેસ, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મિડિયા, ઇન્ટરનેટ અને વેબસાઇટ જેવી બાબતો) પણ આ જોગવાઇમાં સમાવી લેવામાં આવી હતી. સાથોસાથ નોટિસ, સરક્યુલર, પોસ્ટર, બેનર, લેબલ, રેપર, ચોપાનિયું વગેરે પ્રચારાત્મક બાબતોનો પણ જોગવાઇમાં સમાવેશ કરી લેવામાં આવ્યો હતો.