નવી EV પોલિસી હેઠળ ચીનની કંપનીઓને ભારતમાં સ્થાન મળવા સામે શંકા
- વીજ વાહન ક્ષેત્રે ચીન વિશ્વમાં મજબૂત સ્થાન ધરાવી રહ્યું છે
મુંબઈ : વીજ વાહનોના વૈશ્વિક ઉત્પાદકોને આકર્ષવા ભારત દ્વારા ઘડી કઢાયેલી ઈલેકટ્રીક વ્હીકલ (ઈવી) પોલિસીને વૈશ્વિક ખેલાડીઓની સ્વિકૃતિ મળી રહી છે છતાં આ પોલિસીનો લાભ ચીન અથવા ચીન સાથે સંકળાયેલી કંપનીઓને મળવાની શકયતા જણાતી નથી.
પોલિસી હેઠળ વૈશ્વિક ઉત્પાદકોને ડયૂટીમાં ૧૫ ટકા રાહત પૂરી પાડવામાં આવે છે, જો કે આ માટે તેમણે ભારતમાં ઓછામાં ઓછું રૂપિયા ૪૧૫૦ કરોડનું રોકાણ કરવું જરૂરી છે.
રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને લઈને ચીનની અથવા ચીનની કંપનીઓ સાથે જોડાયેલી કંપનીઓ તરફથી ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટસ આકર્ષવામાં ભારતને રસ નથી. ઈવી ક્ષેત્રમાં ચીન એક મજબૂત ખેલાડી હોવાને કારણે પણ ભારત તેની કંપનીઓને અહીં આવતી રોકવા માગે છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
ઈવી પોલિસી હેઠળ લઘુત્તમ ઈન્વેસ્ટમેન્ટ ઉપરાંત આવનારી કંપનીએ ભારતમાં ત્રણ વર્ષની અંદર ઈ- વાહનોનું ઉત્પાદન શરૂ કરવા ત્રણ વર્ષની અંદર ઉત્પાદન એકમ ઊભું કરવાનું જરૂરી રહે છે. આ શરતોનું પાલન કરનારી કંપનીઓને જ ઈમ્પોર્ટ ડયૂટીમાં ૧૫ ટકા રાહત મળી શકે છે.
ભારતે તાજેતરમાં જ નવી ઈવી પોલિસી જાહેર કરી છે. આ પોલીસિ હેઠળ ભારતમાં ઈવી ઊતારૂ વાહનોનું ઉત્પાદન એકમ સ્થાપનારી વિદેશી કંપનીને મર્યાદિત સંખ્યાની કાર ભારતમાં ઈમ્પોર્ટ ડયૂટીના નીચા દરે આયાત કરવાની છૂટ અપાશે.
આ માટે કારની કિંમત ૩૫૦૦૦ ડોલર કે તેથી વધુ હોવી જોઈશે. રાહત મેળવવા માટેની સમય મર્યાદા સરકારની માન્યતા બાદ પાંચ વર્ષ સુધી રહેશે.