Get The App

હું નથી ઇચ્છતો તમે ભારતમાં પ્રોડક્શન કરો, તે પોતાનું જોઈ લેશે: Appleના CEOને ટ્રમ્પની અપીલ

Updated: May 15th, 2025

GS TEAM


Google News
Google News
હું નથી ઇચ્છતો તમે ભારતમાં પ્રોડક્શન કરો, તે પોતાનું જોઈ લેશે: Appleના CEOને ટ્રમ્પની અપીલ 1 - image


US President Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વની ટોચની ટૅક્નોલૉજી કંપની એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં ઉત્પાદન ન કરવા સલાહ આપી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં એપલની પ્રોડક્ટ્સ બનાવો, તેઓ પોતે પોતાનું જોઈ લેશે.

ઝીરો ટેરિફનો પણ દાવો

ટ્રમ્પના ટેરિફવૉરનો ઉકેલ લાવવા ભારત અને અમેરિકા વેપાર મંત્રણા કરી રહ્યું છે. એવામાં આજે ટ્રમ્પે જાહેરાત કરી છે કે, ભારતે અમેરિકા સાથે ઝીરો ટેરિફ વેપાર કરાર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વધુમાં ભારતે અમેરિકી પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડવાની કવાયત પણ હાથ ધરી છે. 

ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થશે

આજે ગુરુવારે કતારમાં વેપાર જગતના નેતાઓ સાથે એક કાર્યક્રમમાં ભાગ લેતાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારત સરકારે અમારી સમક્ષ એવી ડીલ રજૂ કરી છે, કે જેના હેઠળ તેઓ મૂળ રૂપે અમારી પાસેથી કોઈ ટેરિફ વસૂલવા માગતા નથી. વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ચાલી રહેલા વેપાર મંત્રણામાં પ્રગતિ જોવા મળી છે. બંને દેશો ટૂંક સમયમાં ટ્રેડ ડીલ કરશે.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની એક જાહેરાતથી સીરિયામાં ખુશીની લહેર, લોકો બોલ્યા- નવો જન્મ મળ્યો

એપલને ભારતમાં ઉત્પાદન ન કરવા આપી સલાહ

ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને સલાહ આપી છે કે, નવી દિલ્હીમાં ટેરિફના ઊંચા દરોના કારણે અમેરિકાના બિઝનેસને મોટું નુકસાન થઈ રહ્યું છે. મેં એપલના સીઈઓ ટિમ કૂકને કહ્યું છે કે, તેઓ ભારતમાં ઉત્પાદન ન કરે, એપલનું ઉત્પાદન અમેરિકામાં જ કરે.

ટેરિફનો ઉદ્દેશ જ સ્થાનિક ઉત્પાદન વધારવાનો

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફવૉરનો ઉદ્દેશ જ સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવાનો છે. તે અમેરિકાની ખાધમાં ઘટાડો કરી સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવા માગે છે. અગાઉ ટ્રમ્પે 2 એપ્રિલના રોજ વિવિધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. જો કે, બાદમાં 9 જુલાઈ સુધી (90 દિવસ માટે) ભારત સહિત અમુક દેશોને રેસિપ્રોકલ ટેરિફમાં રાહત આપી હતી.

ચીન સાથે પણ કરી ટ્રેડ ડીલ

ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર શરુ થઈ હતી. જો કે, બંને દેશોએ વેપાર મંત્રણાના માધ્યમથી ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં હાલ 90 દિવસ માટે બંને દેશોએ એકબીજા પર ટેરિફ 115 ટકા સુધી ઘટાડવાનો નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે અમેરિકા ચીન પાસેથી 30 ટકા અને ચીન અમેરિકા પાસેથી 10 ટકા ટેરિફ વસૂલશે. 

હું નથી ઇચ્છતો તમે ભારતમાં પ્રોડક્શન કરો, તે પોતાનું જોઈ લેશે: Appleના CEOને ટ્રમ્પની અપીલ 2 - image

Tags :