રૂપિયા સામે ડોલર ગબડયા પછી ઝડપી ઉંચકાયોઃ બેન્કો, આયાતકારોએ ડોલર ખરીદ્યા

Updated: Jan 23rd, 2023


બ્રિટીશ પાઉન્ડ ઉછળી રૂ.101ની સપાટી કુદાવી ગયો

રૂપિયા સામે યુરો વધી રૂ.88 પાર કરી ગયોઃ જાપાનની તથા ચીનની કરન્સીના ભાવ પણ ઝડપી વધી આવ્યા

મુંબઈ: મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં બેતરફી ખાસ્સી ઉછળકુદ જોવા મળી હતી અને દિવસના અંતે ડોલરના ભાવ પ્લસમાં બંધ રહ્યા હતા. જોકે આરંભમાં ડોલરના ભાવ ગબડયા હતા અને એક તબક્કે ડોલરના ભાવ તૂટી રૂ.૮૧ની સપાટીની અંદર જતા રહ્યા હતા પરંતુ ત્યારબાદ ડોલરના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૧.૧૩ વાળા આજે સવારે રૂ.૮૦.૯૪ ખુલી નીચામાં ભાવ રૂ.૮૦.૮૮ થયા પછી ભાવ ફરી ઉછળી ઉંચામાં ભાવ રૂ.૮૧.૯૪ થઈ રૂ.૮૧.૩૯ રહ્યા હતા.

રૂપિયો આજે એકંદરે ૨૬ પૈસા તૂટયો હતો. આજે ડોલરના ભાવ ઘટી એક તબક્કે બે મહિનાના તળીયે રૂપિયા સામે ઉતર્યા હતા પરંતુ ત્યાર પછી ડોલર ફરી ઉછળ્યો હતો. કરન્સી બજારના સૂત્રોના જણાવ્યા મુજબ આજે ડોલરમાં નીચા મથાળે આયાતકારોની તથા વિવિધ સરકારી બેન્કોની ખરીદી જોવા મળી હતી.

બેન્કીંગ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા મુજબ રૂપિયો વધુ મજબુત બને તો દેશમાંથી થતી નિકાસને અસર પડતી  હોય છે અને એ કારણસર આજે આરબીઆઈની કહેવાતી સુચનાથી કરન્સી બજારમાં અમુક સરકારી બેન્કોએ ડોલરની ખરીદી કરી રૂપિયાને વધુ મજબુત બનતો અટકાવ્યો હોવાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી.

દરમિયાન, વિશ્વબજારમાં આજે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૧.૯૬ તથા નીચામાં ૧૦૧.૬૦ થઈ ૧૦૧.૭૪ રહ્યાના સમાચાર હતા. મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે ડોલર ઉપરાંત બ્રિટીશ પાઉન્ડના ભાવ પણ ઉછળ્યા હતા. પાઉન્ડના ભાવ આજે ૯૮ પૈસા વધ્યા હતા. પાઉન્ડના ભાવ આજે ઉંચામાં રૂ.૧૦૧.૧૪ થઈ રૂ.૧૦૧.૧૦ રહ્યા હતા. યુરોપની કરન્સી યુરોના ભાવ આજે રૂપિયા સામે ૯૩ પૈસા ઉંચકાયા હતા. યુરોના ભાવ ઉંચામાં રૂ.૮૮.૮૬ થઈ રૂ.૮૮.૮૦ રહ્યા હતા. જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૬૬ ટકા ઉંચકાઈ હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૫૪ ટકા વધી આવી હોવાનું કરન્સી બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, પાકિસ્તાનથી મળેલા સમાચાર મુજબ ત્યાં સરકારે વ્યાજના દરમાં વધુ એક ટકાનો વધારો કરતાં ત્યાં વ્યાજના દર વધી ૨૪ વર્ષની ટોચે પહોંચ્યા હતા. ત્યાં વ્યાજ દર વધતાં પાકિસ્તાનનો રૂપિયો ડોલર સામે વધુ ગબડતો અટક્યાની ચર્ચા વિશ્વબજારમાં આજે સંભળાઈ રહી હતી.

ફોરેક્સ રેટ

પૈસા

રૃપિયામાં

ડોલર

+૨૬ 

૮૧.૩૯

પાઉન્ડ

+૯૮

૧૦૧.૧૦

યુરો

+૯૩

૮૮.૮૦

    Sports

    RECENT NEWS