વીજ ઉત્પાદક કંપનીઓને ડીસ્કોમ્સે રૂ. 80930 કરોડ ચૂકવવાના બાકી
- ચૂકવવાની બાકી રહેતી રકમમાં નવેમ્બર ૨૦૧૯ના અંતે વાર્ષિક ાૃધોરણે ૪૫ ટકા વાૃધારો
મુંબઈ, તા. 13 જાન્યુઆરી 2020, સોમવાર
નવેમ્બર ૨૦૧૯ના અંત સુધીમાં રાજ્ય વીજ વિતરણ કંપનીઓ (ડીસ્કોમ્સે) વીજ ઉત્પાદક કંપનીઓને રૂપિયા ૮૦૯૩૦ કરોડ ચૂકવવાના બાકી હતા. ૨૦૧૮ના નવેમ્બરની સરખામણીએ આ આંક ૪૫ ટકા વધુ છે. ચૂકવવાની બાકી રકમમાંથી ૮૯ ટકા રકમ એટલે કે રૂપિયા ૭૧૬૭૩ કરોડ ૬૦ કે તેથી વધુ દિવસ કરતા વધુ સમયથી બાકી છે.
ડીસ્કોમ્સે ચૂકવવાની બાકી રકમમાંથી ૩૦ ટકા રકમ ખાનગી વીજ ઉત્પાદકોને ચૂકવવાની રહે છે જ્યારે બાકીની રકમ સરકારી ઉપક્રમો જેમ કે એનટીપીસી, ડીવીસી અને એનએચપીસીને ચૂકવવાની રહે છે. ડીસ્કોમ્સ દ્વારા વીજ કંપનીઓને ચૂકવવાની રહેતી રકમમાં છેલ્લા બે વર્ષથી વધારો થતો રહે છે.
ઓગસ્ટ ૨૦૧૯થી જ્યારથી કેન્દ્રએ લેટર ઓફ ક્રેડિટ યંત્રણા દાખલ કરી છે ત્યારથી વીજ કંપનીઓને ચૂકવવાની બાકી રકમમાં વધારો થતો રહે છે. આ યંત્રણા હેઠળ ડીસ્કોમ્સ પર પેમેન્ટ જવાબદારી અદા કરવામાં વધુ શિસ્તતા લાદવામાં આવી છે.
પાવર કંપનીઓને ડીસ્કોમ્સના ઓવર ડયૂસમાં નવેમ્બરમાં વાર્ષિક ધોરણે ૭૩ ટકા વધારો થયો છે. લેટર ઓફ ક્રેડિટ યંત્રણા હેઠળ ડીસ્કોમ્સે પેમેન્ટની ખાતરી તરીકે વીજ કંપનીઓને લેટર ઓફ ક્રેડિટ આપવાનું ફરજિયાત છે.
દેશભરની ડીસ્કોમ્સે વીજ ઉત્પાદક કંપનીઓને ચૂકવવાના રહેતા ઓવર ડયૂસમાંથી રાજસ્થાનની ડીસ્કોમ્સનો હિસ્સો ૩૧ ટકા જેટલો છે. જ્યારે ઉત્તર પ્રદેશનો હિસ્સો ૧૮ ટકા અને તામિલનાડૂનો ૧૬ ટકા રહ્યો છે.
સરકારી કંપની એનટીપીસીએ ડીસ્કોમ્સ પાસેથી નવેમ્બરના અંત સુધીમાં કુલ રૂપિયા ૧૨૩૫૨ કરોડ વસૂલવાના રહેતા હતા, એમ કેન્દ્રના વીજ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ના અંતે ડીસ્કોમ્સની નાણાંકીય ખોટ રૂપિયા ૨૮૦૦૦ કરોડ રહી હતી જે વાર્ષિક ધોરણે ૮૮ ટકા વધુ છે. ડીસ્કોમ્સ દ્વારા રકમનીચૂકવણીમાં ઢીલને કારણે વીજ ઉત્પાદક કંપનીઓએ નાણાંકીય તાણનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીઓના કેશ ફલો ઘટી જતાં બેન્ક લોન્સના પેમેન્ટમાં ડીફોલ્ટસની શકયતા વધી ગઈ છે.