Get The App

ટેરિફની સીધી અસર : શેરબજારમાં આગામી દિવસોમાં ઘટાડા, અસ્થિરતાની પ્રબળ શક્યતા

- કંપનીઓની કમાણી (ઇપીએસ) ૨% સુધી ઘટી શકેકંપનીઓની કમાણી (ઇપીએસ) ૨% સુધી ઘટી શકે

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
ટેરિફની સીધી અસર : શેરબજારમાં આગામી દિવસોમાં ઘટાડા, અસ્થિરતાની પ્રબળ શક્યતા 1 - image


અમદાવાદ : અમેરિકાએ ભારત પર ઊંચો ટેરિફ લાદતા શેરબજારમાં આગામી દિવસોમાં ઘટાડા તરફી વલણ અને અસ્થિરતાની શક્યતા પ્રબળ બની હોવાનું વૈશ્વિક બ્રોકરેજ હાઉસોએ જણાવ્યું હતું.

ગોલ્ડમેન સક્સના મત મુજબ આ ટેરિફની સીધી અસર ઓછી હોઈ શકે છે, પરંતુ તે સમગ્ર બજારના વાતાવરણ અને વિદેશી રોકાણકારોના વિશ્વાસ પર નકારાત્મક અસર કરી શકે છે. હાલમાં, MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં સમાવિષ્ટ કંપનીઓની કુલ કમાણીના માત્ર ૨% જ યુએસમાં નિકાસ કરવામાં આવે છે. 

આમ છતાં, ગોલ્ડમેન માને છે કે આના કારણે, કંપનીઓની કમાણી (ઇપીએસ) ૨% સુધી ઘટી શકે છે. ગોલ્ડમેને  ૨૦૨૫ અને ૨૦૨૬ માટે કંપનીઓની કમાણીમાં ૧૨% અને ૧૪% વૃદ્ધિનો અંદાજ જાળવી રાખ્યો છે, પરંતુ તેમાં ઘટાડાનું જોખમ પણ છે. નોમુરા પણ આ મુદ્દા સાથે સંમત છે. તેના મતે, ફાર્મા અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રો હાલમાં સીધી અસર કરશે નહીં, પરંતુ જો તેમના પર અલગ કર (ક્ષેત્રીય ટેરિફ) લાદવામાં આવશે, તો તેમના નફા પર અસર થઈ શકે છે. બાર્કલેસનો મત છે કે આગામી સમયમાં શેરબજાર અસ્થિર રહેશે. 

ટેરિફ લાદવાની જાહેરાત રિઝર્વ બેંક માટે નવા પડકાર સમાન 

અમેરિકા દ્વારા ૧ ઓગસ્ટ, ૨૦૨૫થી ભારતમાંથી આવતા માલ પર ૨૫% ટેક્સ (ટેરિફ) લાદવાની જાહેરાત કરી છે. જેનાથી વિશ્વભરના બજારો અને રોકાણકારોને એક આંચકો આવ્યો છે. આ પગલાથી ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ વધ્યો છે. ઉપરાંત, તે ભારતના આર્થિક વિકાસ દર, નિકાસ વ્યવસાય અને કંપનીઓની કમાણીને અસર કરી શકે છે. ટેરિફ લાદવાની જાહેરાત રિઝર્વ બેંક  માટે નવા પડકાર સમાન છે. આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સક્સના મત મુજબ જો અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આ ટેરિફ મોટી અસર દર્શાવવાનું શરૂ કરે છે, તો ભારતીય રિઝર્વ બેંક પર વ્યાજ દરમાં વધુ ઘટાડો કરવાનું દબાણ આવી શકે છે. નોમુરાના મતે, ઓગસ્ટમાં જ રિઝર્વ બેંક  દ્વારા વ્યાજ દરમાં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની સંભાવના છે.

રશિયા પાસેથી ક્રુડ તેલ ખરીદવાનું સપ્તાહ પહેલા જ બંધ કરી દેવાયું

રશિયા પાસેથી શસ્ત્રો તથા ક્રુડ ઓઈલ ખરીદવા બદલ ભારતની ટીકા કરી તેની પાસેથી પેનલ્ટી વસૂલવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત વચ્ચે આવેલા એક અહેવાલમાં ભારતની સરકારી ઓઈલ રિફાઈનરીઓએ ગયા સપ્તાહથી જ રશિયાનું ક્રુડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું હોવાનું જણાવાયું હતું. રશિયાના ક્રુડ ઓઈલ પર મળતા ડિસ્કાઉન્ટમાં ઘટાડો થતા ભારતની રિફાઈનરીઓએ ખરીદી બંધ કરી દીધી હોવાનું સરકારી સુત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. 

Tags :