નિફટી-૫૦૦ કંપનીઓમાં DIIનો હિસ્સો પ્રથમ વખત FIIથી વધી ગયો
- દાયકામાં વિદેશી કરતા ઘરેલુ રોકાણકારોનું ત્રણ ગણું રોકાણ
મુંબઈ : ભારતની ટોચની ૫૦૦ લિસ્ટેડ કંપનીઓમાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નો રોકાણ હિસ્સો પ્રથમ જ વખત વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ના હિસ્સા કરતા વધી ગયાનું જોવા મળ્યું છે.
ભારતીય શેરબજારોમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલી જ્યારે ઘરેલું સંસ્થાકીય તથા રિટેલ રોકાણકારોની લેવાલીને પગલે ભારતના મૂડી બજારોમાં એક નવા જ સમીકરણો જોવા મળવાનું શરૂ થયું છે.
એક સ્ટોક બ્રોકિંગ હાઉસ દ્વારા જારી કરાયેલા રિપોર્ટ પ્રમાણે, માર્ચ ૨૦૨૫ના અંતે નિફટી-૫૦૦ કંપનીઓમાં ડીઆઈઆઈનો રોકાણ હિસ્સો ૧૯.૨૦ ટકા રહ્યો હતો જ્યારે એફઆઈઆઈનો હિસ્સો ઘટી ૧૮.૮૦ ટકા સાથે દાયકાની નીચી સપાટીએ પહોંચી ગયો છે.
કંપનીઓમાં પ્રમોટરોનું હોલ્ડિંગ્સ પણ ૪૯.૫૦ ટકા સાથે ઓલ ટાઈમ લો રહ્યું છે જ્યારે રિટેલ રોકાણકારોનું સ્તર જળવાઈ રહ્યું છે. હોલ્ડિંગ્સમાં જે કંઈપણ બદલાવ આવ્યો છે તે સંસ્થાકીય રોકાણકારોમાં જોવાયો છે.
નાણાં વર્ષ ૨૦૧૫થી ૨૦૨૫ના ગાળામાં ડીઆઈઆઈએ ૧૯૫ અબજ ડોલરનું રોકાણ કર્યું છે જ્યારે વિદેશી રોકાણકારોનો રોકાણ આંક આ ગાળામાં ૫૩ અબજ ડોલર રહ્યો છે. આમ ઘરેલું રોકાણકારોએ એક દાયકામાં વિદેશી રોકાણકારોની સરખામણીએ ભારતીય ઈક્વિટીસમાં ૩.૭૦ ગણું રોકાણ કર્યું હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
નાણાં વર્ષ ૨૦૨૧ એટલે કે કોરોના બાદ ડીઆઈઆઈના રોકાણમાં ગતિ વધી છે. એસઆઈપી વોલ્યુમમાં વધારા તથા મ્યુચ્યુઅલ ફન્ડસના વિસ્તરણને કારણે ઘરઆંગણે રોકાણ પ્રવાહમાં વધારો થયો છે.
વૈશ્વિક સ્તરે વ્યાજ દરમાં વધારો, ભૌગોલિકરાજકીય અશાંતિ તથા વિદેશી રોકાણકારોની વેચવાલી છતાં ભારતના શેરબજારોમાં રેલી જોવા મળી છે.
ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ ૨૪માંથી ૧૮ ક્ષેત્રોમાં પોતાના રોકાણ હિસ્સામાં વધારો કર્યો છે જેમાં સૌથી વધુ ઈન્ફલોસ બેન્કિંગ ક્ષેત્રના સ્ટોકસમાં જોવા મળ્યો છે. જે ક્ષેત્રોમાં ડીઆઈઆઈનું રોકાણ વધ્યું છે તેમાંના મોટાભાગના ક્ષેત્રોમાં એફઆઈઆઈનું રોકાણ ઘટયું છે.