મુંબઈ : ભારતીય બજારમાં વર્તમાન વર્ષમાં ભારે વોલેટિલિટી છતાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નો દેશની ઈક્વિટીસ કેશમાં ૨૦૨૬નો રોકાણ આંક અત્યારસુધીમાં નેટ રૂપિયા ૩ લાખ કરોડને પાર કરી ગયો છે. ૨૦૨૫ના સંપૂર્ણ વર્ષમાં આ આંક રૂપિયા ૭.૮૮ લાખ કરોડ રહ્યો હતો.
૨૦૨૫નો રોકાણ આંક કોઈ એક વર્ષનો અત્યારસુધીનો વિક્રમી રહ્યો છે, જે વર્તમાન વર્ષમાં વધી જવાની શકયતા જોવાઈ રહી છે. રોકાણની વર્તમાન ગતિ ચાલુ રહેશે તો ૨૦૨૬માં ડીઆઈઆઈનો નવો વિક્રમી ઈન્ફલો જોવા મળશે.
ડીઆઈઆઈની સામે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)ની ઈક્વિટી કેશમાં રૂપિયા ૨.૪૭ લાખ કરોડની નેટ વેચવાલી રહી છે.
તાજેતરની ભૌગોલિકરાજકીય તાણને કારણે ક્રુડ તેલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર કરી ગયા છે જેેને કારણે ફુગાવા તથા રાજકોષિય દબાણ આવવાની ચિંતા વધી છે. આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સંબંધિત જોખમોએ પણ ડીઆઈઆઈને ઈન્વેસ્ટમેન્ટ કરવાથી અટકાવ્યા નથી એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
બીજી બાજુ ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતાને પરિણામે વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ જ રહી છે. એફઆઈઆઈનો ભારતીય બજાર માટેનો વ્યૂહ અમેરિકા તથા ઈરાન વચ્ચે કેવી સ્થિતિ ઊભી થાય છે તેના પર નિર્ભર રહેશે એમ એક બ્રોકિંગ હાઉસના રિપોર્ટમા તાજેતરમાંં જણાવાયું હતું.
વર્તમાન દાયકામાં ૨૦૨૬ સતત છઠ્ઠુ વર્ષ છે જેમાં વિદેશી રોકાણકારોની નેટ વેચવાલી જોવાઈ રહી છે. જેપી મોર્ગન તથા એચએસબીસી જેવી વૈશ્વિક પેઢીઓએ ભારતીય ઈક્વિટીસને તાજેતરમાં ડાઉનગ્રેડ કરી છે.


