2025માં DIIની ઈક્વિટીમાં ખરીદીનો આંક રૂપિયા સાત લાખ કરોડને પાર
- મ્યુ. ફન્ડોની આગેવાનીએ સંસ્થાકીય રોકાણમાં જંગી વધારો

મુંબઈ : ૨૦૨૫ સમાપ્ત થવાને એક મહિનાની વાર છે ત્યારે ભારતીય શેરબજારમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની ખરીદી કેલેન્ડર વર્ષ ૨૦૨૪ની તુલનાએ નોંધપાત્ર ઊંચી જોવા મળી રહી છે. ૨૬ નવેમ્બર સુધીના આંકડા પ્રમાણે ડીઆઈઆઈએ ભારતીય ઈક્વિટી કેશમાં રૂપિયા ૭૦૦૪૭૫.૧૨ કરોડની નેટ ખરીદી કરી છે જે ૨૦૨૪ના સંપૂર્ણ વર્ષમાં કરાયેલી રૂપિયા ૫૨૭૪૩૮.૪૫ કરોડની ખરીદી કરતા નોંધપાત્ર ઊંચી છે.
વર્તમાન વર્ષમાં જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)એ જંગી વેચવાલી કરી છે ત્યારે ડીઆઈઆઈએ શેરબજારના માનસને ટકાવી રાખવા મહત્વની ભૂમિકા ભજવી છે.
વર્તમાન વર્ષમાં વિદેશી રોકાણકારોએ ઈક્વિટી કેશમાં રૂપિયા ૨૬૭૦૧૭.૫૫ કરોડની નેટ વેચવાલી કરી છે જે ૨૦૨૪માં ૩૦૪૨૧૭.૨૫ કરોડ રહી હતી.
મ્યુચ્યુઅલ ફન્ડસ, વીમા કંપનીઓ, બેન્કો સહિત અન્ય સંસ્થાકીય રોકાણકારોએ મળીને ૨૬ નવેમ્બર સુધીમાં ભારતીય ઈક્વિટી કેશમાં રૂપિયા સાત લાખ કરોડથી વધુ ઠાલવ્યા છે.ડીઆઈઆઈમાં ફન્ડ હાઉસોની ખરીદી સૌથી ઊંચી જોવા મળી રહી છે. ફન્ડોની ઈક્વિટી સ્કીમમાં રિટેલ રોકાણકારોના વધી રહેલા સહભાગના ટેકા સાથે મ્યુચ્યુઅલ ફન્ડો ઈક્વિટીમાં રોકાણ વધારી રહ્યા છે.
અન્ય રોકાણ સાધનોની સરખામણીએ ઈક્વિટીમાં વધુ વળતર મળી રહેવાની અપેક્ષાએ રિટેલ રોકાણકારો તેમાં નાણાં ઠાલવવા પ્રોત્સાહિત થઈ રહ્યા છે, જેને પરિણામે ઈક્વિટી સ્કીમમાં રિટેલ પ્રવાહ ઊંચો જોવા મળે છે.
એફઆઈઆઈની વેચવાલી સામે ડીઆઈઆઈની ખરીદી જળવાઈ રહેતા શેરબજારના મુખ્ય ઈન્ડાઈસિસે વર્તમાન વર્ષમાં ગુરુવારે નવી ઊંચી સપાટી દર્શાવી હતી. સેન્સેકેસે ઈન્ટ્રાડેમાં ૮૬૦૦૦નું સ્તર પાર કર્યું હતું જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસ ૨૬૩૧૦ના સ્તરની નવી સપાટી દર્શાવી હતી. વર્તમાન વર્ષમાં ભારતીય શેરબજારના મુખ્ય ઈન્ડાઈસિસમાં દસ ટકા જેટલો વધારો થયો છે.

