Get The App

ઈરાન યુદ્ધ વચ્ચે DIIની 12 સેશનમાં રૂપિયા એક લાખ કરોડથી વધુની ખરીદી

- ૨૦૨૬માં અત્યારસુધીમાં કુલ રૂ. બે લાખ કરોડથી વધુ ઠાલવ્યા

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન યુદ્ધ વચ્ચે DIIની 12 સેશનમાં રૂપિયા એક લાખ કરોડથી વધુની ખરીદી 1 - image

મુંબઈ : ઈરાન યુદ્ધ ફાટી નીકળ્યા બાદ વૈશ્વિક બજારોની સાથોસાથ ભારતની ઈક્વિટી માર્કેટમાં પણ બોલાઈ ગયેલા કડાકાનો લાભ લઈ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)એ નીચા વેલ્યુએશને ૧૨ ટ્રેડિંગ સેશનમાં રૂપિયા એક લાખ કરોડની ઈક્વિટીની ખરીદી કરી હોવાનું પ્રાપ્તે ડેટા પરથી જણાય છે.

વર્તમાન કેલેન્ડર વર્ષમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ અત્યારસુધીમાં કેશમાં નેટ રૂપિયા ૨.૦૩ લાખ કરોડની ખરીદી  કરી છે.  મધ્ય પૂર્વમાં  રાજકીયભૌગોલિક તાણને પરિણામે ભારતીય બજારમાં આવી ગયેલા કરેકશનનો ડીઆઈઆઈએ લાભી લીધો છે. ડીઆઈઆઈની ખરીદીને પરિણામે શેરબજારને ટેકો મળી રહ્યો છે. જો કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો તથા રિટેલ રોકાણકારોની જંગી વેચવાલીને કારણે છેલ્લા ૧૨ સત્રમાં બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં નોંધપાત્ર કરેકશન આવ્યું છે.

આ અગાઉ ૨૦૨૫માં ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટી કેશમાં રૂપિયા ૭.૭૫ લાખ કરોડની નેટ લેવાલી રહી હતી.  ક્રુડ તેલના ભાવમાં ભડકો તથા કંપનીઓની આવકમાં ઘટાડો થવાના જોખમ છતાં ડીઆઈઆઈની નોંધપાત્ર ખરીદી જોવા મળી છે. બીજી બાજુ વિદેશી રોકાણકારોએ ૨૦૨૬માં અત્યારસુધીમાં ઈક્વિટી કેશમાં રૂપિયા ૧.૨૯ લાખ કરોડની નેટ વેચવાલી કરી છે, જેમૉથી રૂપિયા ૮૧૦૦૦ કરોડની વેચવાલી એકલા માર્ચમાં રહી છે. 

ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે દેશના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર પડવા ઉપરાંત મોંઘવારી વધવાનું જોખમ રહેલું છે. હાલનું કરેકશન ઘરઆંગણેની પ્રતિકૂળ સ્થિતિને કારણે નહીં પરંતુ બહારી આંચકાઓને કારણે આવ્યું હોવાથી ઈક્વિટીસમાં હાલનો ઘટાડો લેવાલીની તક હોવાનું ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો માની રહ્યા છે.

દેશના મોટી સંખ્યાના  રિટેલ રોકાણકારો જેઓ ઈક્વિટીમાં સીધા રોકાણ કરવાને બદલે ફન્ડો મારફત રોકાણ કરવાનું પસંદ કરે છે, જેને પરિણામે ઈક્વિટી સ્કીમ સાથેના ફન્ડોમાં રોકાણકારોનો ઈન્ફલો પણ અવિરત થઈ રહ્યો છે.

વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં રૂપિયા૨૪૦૨૯ કરોડની સરખામણીએ ફેબુ્રઆરીમાં મ્યુચ્યુઅલ ફન્ડ ઈક્વિટી સ્કીમમાં ઈન્ફલો ૮ ટકા વધી રૂપિયા ૨૫૯૭૭ કરોડ રહ્યો હતો.