વર્તમાન વર્ષના સાત મહિનામાં DIIની ખરીદી રૂપિયા 4,00,000 કરોડને પાર
- મ્યુચ્યુઅલ ફન્ડોમાં રોકાણકારોના મજબૂત ઈન્ફલોસને પગલે ખરીદી જળવાઈ રહેવા વકી
મુંબઈ : દેશની ઈક્વિટી માર્કેટમાં એક તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) વેચવાલ રહ્યા છે ત્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)એ વર્તમાન વર્ષના પ્રથમ સાત મહિનામાં ઈક્વિટીસમાં રૂપિયા ચાર લાખ કરોડથી વધુની રકમ ઠાલવી છે.
મ્યુચ્યુઅલ ફન્ડોમાં રોકાણકારોના ઈન્ફલોસ તથા વીમા કંપનીઓ અને પેન્શન ફન્ડોના સતત ઈન્વેસ્ટમેન્ટ પ્રવાહને જોતા ઈક્વિટીસમાં ઘરેલું રોકાણકારોની વર્તમાન રોકાણ ગતિ જળવાઈ રહેવા ધારણાં રાખવામાં આવી રહી છે.
૨૦૨૫માં ડીઆઈઆઈનો ઈન્વેસ્ટમેન્ટ આંક ૨૦૦૭ બાદ બીજો મોટો વાર્ષિક આંકને આંબી ગયો છે. ૨૦૨૪માં ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ ઈક્વિટીસમાં રૂપિયા ૫.૨૩ લાખ કરોડ ઠાલવ્યા હતા.
વર્તમાન વર્ષમાં ઈક્વિટી કેશમાં ડીઆઈઆઈની રૂપિયા ૪.૧૦ લાખ કરોડની નેટ ખરીદી રહી છે જ્યારે વિદેશી રોકાણકારોએ રૂપિયા ૧.૬૫ લાખ કરોડ ઘરભેગા કર્યા છે.
વર્તમાન વર્ષના પ્રથમ સાત મહિનામાં મ્યુચ્યુઅલ ફન્ડોએ રૂપિયા ૩ લાખ કરોડથી વધુ ઈક્વિટીસમાં ઠાલવ્યા છે, જ્યારે વીમા કંપનીઓએ રૂપિયા ૪૮૦૦૦ કરોડ અને પેન્શન ફન્ડોના રૂપિયા ૨૧૫૦૦ કરોડ આવ્યા છે.
કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી તથા ઊંચા વેલ્યુએશનની ચિંતા વચ્ચે પણ ડીઆઈઆઈની ખરીદી જોવા મળી રહી છે.