ભારતીય ઈક્વિટીમાં FII કરતા DIIનું હોલ્ડિંગ વધી જવાની તૈયારીમાં
- સતત વેચવાલીના મારાને કારણે વિદેશી રોકાણકારોના હિસ્સામાં ઘટાડો
મુંબઈ : ભારતીય ઈક્વિટીસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની સતત વેચવાલી જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની સતત ખરીદીને પગલે બન્ને વચ્ચે દેશના ઈક્વિટી હોલ્ડિંગનો તફાવત સતત ઘટી રહ્યો છે અને ડીઆઈઆઈ પાસે ઈક્વિટીસનું હોલ્ડિંગ એફઆઈઆઈના હોલ્ડિંગને પાર કરી જવાની તૈયારીમાં છે. આ ગાળામાં રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ વધી વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું.
ડિસેમ્બર ત્રિમાસિકના અંતે એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ વચ્ચે ઈક્વિટીસ હોલ્ડિંગનું અંતર અત્યારસુધીની નીચી સપાટીએ જોવા મળ્યું હતું. એનએસઈમાં લિસ્ટેડ શેરોમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટી ૧૭.૨૩ ટકા સાથે ૧૨ વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું જ્યારે ડીઆઈઆઈ પાસે હોલ્ડિંગ વધી ૧૬.૯૦ ટકા પહોંચી ગયું હતું.
આમ બન્નેના હોલ્ડિંગ વચ્ચે માત્ર ૦.૩૩ ટકા તફાવત રહ્યો હતો જે ૨૦૧૫ના માર્ચ ત્રિમાસિકમાં ૧૦.૩૦ ટકા જેટલુ ઊંચુ હતું. આ સમયે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો કરતા વિદેશી રોકાણકારોનું ભારતીય ઈક્વિટીસમાં હોલ્ડિંગ લગભગ બમણું હતું એમ એક રિસર્ચ પેઢીના અહેવાલમાં જણાવાયું હતું.
ડિસેમ્બર ત્રિમાસિકમાં એફઆઈઆઈએ ભારતની સેકન્ડરી બજારમાં રૂપિયા ૧.૫૬ લાખ કરોડના શેર વેચ્યા હતા જ્યારે પ્રાઈમરી માર્કેટમાં રૂપિયા ૫૫૫૮૦ કરોડની ઈક્વિટીસ ખરીદ કરી હતી. જ્યારે મ્યુચ્યુઅલ ફન્ડસ તથા અન્ય નાણાં સંસ્થાઓ સહિત ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોની રૂપિયા ૧.૮૬ લાખ કરોડની લેવાલી રહી હતી.
બીજી બાજુ પ્રમોટરોનું હોલ્ડિંગ ઘટી ૪૧.૦૮ ટકા રહ્યું હતું. ઊંચા મૂલ્યાંકને હિસ્સાના વેચાણને કારણે પ્રમોટરના હોલ્ડિંગમાં ઘટાડો થયો છે. રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ વધી ૭.૬૯ ટકા સાથે વિક્રમી સ્તરે રહ્યાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.