Get The App

ડિજિટલ ગોલ્ડ કંપનીઓ દ્વારા પોતાની નિયમનકારી સંસ્થા રચવા વિચારણા

- સેબીની ચેતવણી બાદ રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખવા શરૂ થયેલી હિલચાલ

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
ડિજિટલ ગોલ્ડ કંપનીઓ દ્વારા પોતાની નિયમનકારી સંસ્થા રચવા વિચારણા 1 - image


મુંબઈ : સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની  આવી પડેલી ચેતવણી બાદ ડિજિટલ ગોલ્ડ કંપનીઓ પોતાની નિયમનકારી સંસ્થા (એસઆરઓ)ની રચના કરવા યોજના બનાવી રહી છે. રોકાણકારોનો વિશ્વાસ જળવાઈ રહે તે હેતુ સાથે આ હિલચાલ આવી પડી હોવાનું માનવામાં આવે છે. 

ડિજિટલ ગોલ્ડ હાલમાં અનિયંત્રિત ઉદ્યોગ છે એમ જણાવી સેબીએ તાજેતરમાં તેમાં રોકાણ કરતા રોકાણકારોને ચેતવણી આપી હતી. 

ગોલ્ડ મેન્યુફેકચરિંગ એન્ડ સેફકીપિંગ કંપનીસ, એમએમટીસી-પીએએમપી સહિતની આગેવાન કંપનીઓ એક એવી સંસ્થા ઊભી કરવાની વિચારણા કરી રહી છે જે ઉદ્યોગ માટે માર્ગદર્શિકા ઘડી કાઢવા તથા સ્વનિયમન માટે માળખાની રચના કરશે.

ગ્રાહકોના ડિજિટલ ગોલ્ડ હોલ્ડિંગ્સનું ઓડિટ થાય અને સિકયોર વોલ્ટસમાં સંગ્રહાયેલા સોનાનું તે સંપૂર્ણ પીઠબળ ધરાવતું હોય તેની સૂચિત સંસ્થા ખાતરી રાખશે.

સૂચિત સંસ્થામાં જોડોવા આ કંપનીઓ ડિજિટલ ગોલ્ડ વિતરકો સાથે પણ ચર્ચા કરી રહી હોવાનું ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. ડિજિટલ ગોલ્ડની ખરીદી કાનૂની છે પરંતુ તેના પર સરકાર અથવા કોઈ સંસ્થાનું નિયમન છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. 

તાજેતરમાં સેબીની આવી પડેલી ચેતવણીથી આ ઉદ્યોગના હિસ્સેદારો તથા રોકાણકારોમાં ચિંતાની લાગણી ઊભી થઈ છે. યુપીઆઈના ઉપયોગ દ્વારા ડિજિટલ ગોલ્ડની ખરીદી ઓકટોબરમાં ૬૦ ટકા જેટલી ઘટી વર્તમાન વર્ષની સૌથી નીચી સપાટીએ રહી હતી. ડિજિટલ ગોલ્ડ પર કોઈ નિયમન નહીં હેવાની વારંવારની ચેતવણીને પરિણામે ખરીદી પર અસર પડી હોવાનું માનવામાં આવે છે. 

એક અંદાજ પ્રમાણે ભારતીય પાસે હાલમાં રૂપિયા ૫૫૦૦૦ કરોડનું ૪૫ ટન જેટલું ડિજિટલ ગોલ્ડ પડયું છે.

Tags :