VRRR હરાજી છતાં બેંકિંગ સિસ્ટમમાં રેકોર્ડ રૂ.3.13 લાખ કરોડની રોકડ
- બેંકિંગ સિસ્ટમમાંથી વધારાની રોકડ ઘટાડવા માટે વધુ એકવાર હરાજી થવાની શક્યતા
મુંબઈ : ભારતીય રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા વેરિયેબલ રેટ રિવર્સ રેપો (VRRR) હરાજી છતાં, મંગળવારે બેંકિંગ સિસ્ટમમાં ચોખ્ખી રોકડ રૂ. ૩.૧૩ લાખ કરોડના સરપ્લસ પર પહોંચી ગઈ. રિઝર્વ બેંકના ડેટા અનુસાર, આ ૧૩ જૂન પછીનું ઉચ્ચતમ સ્તર છે. સરપ્લસ રોકડને કારણે, ઓવરનાઇટ વેઇટેડ એવરેજ કોલ રેટ હાલમાં સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) રેટ ૫.૨૫ ટકાની નજીક અને ૫.૫૦ ટકાના રેપો રેટથી નીચે છે.
બજારના સહભાગીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બેંક શુક્રવારે ૭ દિવસમાં પરિપક્વ થતી વેરિયેબલ રેટ રિવર્સ રેપો હરાજી કરે તેવી અપેક્ષા છે. અગાઉની હરાજીમાં રિઝર્વ બેંકને ૮૪,૯૭૫ કરોડ રૂપિયાની બોલી મળી હતી, જ્યારે તેણે ૧ લાખ કરોડ રૂપિયાની હરાજી નક્કી કરી હતી. મની માર્કેટ ડીલરે જણાવ્યું હતું કે, શુક્રવારે ૭ દિવસની બીજી ફઇઇઇ હરાજીની અપેક્ષા છે.
રિઝર્વ બેંક બેંકિંગ સિસ્ટમમાંથી વધારાની રોકડ ઘટાડવા માટે VRRR હરાજી કરે છે, જેથી ટૂંકા ગાળાના દર પોલિસી રેપો રેટની નજીક રહે. પરંતુ સરપ્લસ યથાવત રહે છે, જે સૂચવે છે કે કેન્દ્રીય બેંકના લક્ષ્ય મુજબ નેટ ડિમાન્ડ અને ટાઈમ લાયેબિલિટીઝના ૧ ટકા પર લિક્વિડિટી રાખવા માટે વધુ હરાજી કરવી પડી શકે છે. બજારના સહભાગીઓ અને અર્થશાસ્ત્રીઓ અપેક્ષા રાખે છે કે રિઝર્વ બેંક દૈનિક ધોરણે વારંવાર હરાજી કરીને રોકડની સ્થિતિને સુધારશે.
નિષ્ણાતો કહે છે કે સરપ્લસ લિક્વિડિટી તાજેતરના સરકારી ખર્ચને કારણે પણ હોઈ શકે છે, જેના કારણે રાતોરાત દરમાં ઘટાડો થયો છે. આ વર્ષની શરૂઆતથી, રિઝર્વ બેંક ચલ દર રેપો હરાજી, સ્વેપ્સ અને ઓપન માર્કેટ ઓપરેશન્સ દ્વારા બેંકિંગ સિસ્ટમમાં તરલતા દાખલ કરી રહી છે.
રિઝર્વ બેંકે જાન્યુઆરીથી બેંકિંગ સિસ્ટમમાં લગભગ ૯.૫ લાખ કરોડ રૂપિયાની ટકાઉ તરલતા દાખલ કરી છે. આના કારણે, ડિસેમ્બર સુધી જે રોકડની અછતનો સામનો કરવો પડી રહ્યો હતો તે માર્ચના અંત સુધીમાં સરપ્લસમાં આવી ગઈ છે.