Get The App

ઓગસ્ટમાં વરસાદનું જોર ઓછું થવા છતાં ખરીફ વાવેતરની 90 ટકા કામગીરી પૂરી

- શેરડી તથા મકાઈનો વાવેતર વિસ્તાર સામાન્ય કરતા નોંધપાત્ર વધુ

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
ઓગસ્ટમાં વરસાદનું જોર ઓછું થવા છતાં ખરીફ વાવેતરની 90 ટકા કામગીરી પૂરી 1 - image


મુંબઈ : વર્તમાન વર્ષના ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું થવા છતાં, ખરીફ વાવણીની કામગીરી સામાન્ય વિસ્તારના ૯૦ ટકા જેટલી પૂરી થઈ ગયાનું કૃષિ મંત્રાલયના ડેટા જણાવે છે. ગયા વર્ષના ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં ૮૭ ટકા ખરીફ વાવણી પૂરી થઈ હતી. 

ખરીફ વાવણીનો સામાન્ય વિસ્તાર ૧૦૯૬.૬૫  લાખ હેકટર છે જેની સામે વર્તમાન મોસમમાં ૯૯૫.૬૩ લાખ હેકટર વિસ્તાર પર વાવણીની કામગીરી પૂરી થઈ છે. ગયા વર્ષની મોસમમાં ૮ ઓગસ્ટ સુધીમાં ૯૫૭.૧૫ લાખ હેકટર પર વાવણી પૂરી થઈ હતી. 

વર્તમાન વર્ષમાં ચોમાસાનો પ્રારંભ દેશભરમાં સારો રહેતા ખરીફ વાવણીની કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ શકય બની છે.  ડાંગરનું વાવેતર સામાન્ય વિસ્તારના ૯૦.૫૦ ટકા પૂરું થયું છે જે ગઈ મોસમના ૮ ઓગસ્ટ સુધીમાં ૮૦.૭૦ ટકા વિસ્તાર પર પૂરું થયું હતું. કડધાન્યની વાવણી સામાન્ય વિસ્તારના ૯૯ ટકા પૂરી થઈ ગઈ છે જેમાં મકાઈનું વાવેતર સામાન્ય વિસ્તાર કરતા ૧૬ ટકા વધુ થયું છે. આવી જ સ્થિતિ શેરડીમાં જોવા મળી રહી છે જેની વાવણી સામાન્ય કરતા ૯ ટકા વધુ થઈ હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે. 

જો કે અન્ય પાકો જેમ કે કઠોળ, તેલીબિયાં , કપાસ તથા શણનું વાવેતર ગઈ મોસમની સરખામણીએ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. વર્તમાન વર્ષના ઓગસ્ટના પ્રથમ દસ દિવસમાં સામાન્ય કરતા વરસાદ અંદાજે ૩૦ ટકા ઓછો રહ્યો છે.

અસમતુલિત વરસાદને કારણે કઠોળ અને કડધાન્યની વાવણી ધીમી ગતિએ થઈ રહી છે. સામાન્ય રીતે ખરીફ વાવણી માટે ઓગસ્ટ છેલ્લો મહિનો હોય છે અને સપ્ટેમ્બરના અંતિમ ગાળાથી લણણીની કામગીરી શરૂ થાય છે, એમ પણ કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. 

Tags :