ચોમાસાની પ્રગતિ પ્રમાણમાં ધીમી છતાં ડાંગરના વાવણી વિસ્તારમાં વધારો
- ખરીફ વાવેતરની એકંદર ૭૫ ટકા કામગીરી પૂર્ણ
મુંબઈ : તાજેતરના સપ્તાહોમાં ચોમાસાની સ્થિતિ સામાન્ય કરતા નબળી રહેવા છતાં દેશમાં મુખ્ય ખરીફ પાક ડાંગરની વાવણી મજબૂત રીતે આગળ વધી રહી છે. ૨૫ જુલાઈના ગાળા સુધીમાં ડાંગરનું વાવેતર ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૧૩.૪૦ વધુ રહ્યું હતું.
ગયા વર્ષના ૨૫ જુલાઈ સુધીમાં ૨૧૬.૧૬ લાખ હેકટર વિસ્તારની સરખામણીએ વર્તમાન વર્ષમાં ૨૪૫.૧૩ લાખ હેકટર વિસ્તાર પર ડાંગરની વાવણી પૂરી થઈ છે. એકંદર ખરીફ વાવેતર સામાન્ય વિસ્તારના ૭૫ ટકા પૂરી થઈ ગઈ છે.
દેશના કેટલાક વિસ્તારોેમાં વરસાદની ખાધ જોવા મળી રહી છે, પરંતુ જળાશયોમાં ઊંચા સ્તરના ટેકા સાથે ડાંગરનો વાવેતર વિસ્તાર વધી રહ્યો છે. ડાંગર ઉપરાંત કડધાન્ય અને કઠોળના વાવેતર વિસ્તારમાં વધારાને પગલે એકંદર વાવણી વિસ્તાર ઊંચો જોવા મળી રહ્યો હોવાનું કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
દેશના ઉત્તર તથા ઉત્તરપૂર્વ વિસ્તારમાં સામાન્ય કરતા ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. જુલાઈ તથા ઓગસ્ટ ખરીફ વાવણી માટે મહત્વના મહિના ગણાતા હોવાથી જળાશયોની સારી સ્થિતિને જોતા વાવણીની ગતિ જળવાઈ રહેવા અપેક્ષા છે.
ગયા સપ્તાહના અંત સુધીમાં ડાંગરનું વાવેતર સામાન્ય વિસ્તારના ૬૦ ટકા જેટલું પૂરુ થયું છે જ્યારે કઠોળનું ૭૨ ટકા અને કડધાન્યનું ૮૯ ટકા જેટલુ પૂરુ થયું છે. ગયા સપ્તાહના અંત સુધીમાં કુલ ૮૨૯.૬૪ લાખ હેકટર વિસ્તાર પર વાવણીની કામગીરી પૂરી થઈ છે જે ગયા વર્ષના આ ગાળા સુધીમાં થયેલા વાવેતરની સરખામણીએ ૪ ટકા વધુ છે.