ડિજિટલ પેમેન્ટસમાં આકર્ષણ વધવા છતાં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં વૃદ્ધિ
- નવા પાકની મજબૂત આવકને કારણે ગ્રામ્ય માગમાં વધારો
મુંબઈ : ૨જી મેના સમાપ્ત થયેલા વર્ષમાં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં ૨.૪૦ ટકા વધારો થયો છે જે ગયા વર્ષના ૨જી મેના અંતે ૧.૭૦ ટકા રહ્યો હતો. ચૂંટણીનો સમયગાળો નહીં હોવા છતાં રોકડનો વપરાશ મજબૂત રહ્યો છે. સામાન્ય રીતે ચૂંટણીના કાળમાં રોકડની માગ ઊંચી રહેતી હોય છે.
બે મેના અંતે દેશમાં કરન્સી ઈન સર્ક્યુલેશનનો આંક રૂપિયા ૩૮.૧૦ લાખ કરોડ રહ્યો હતો જે દેશના જીડીપીના ૧૧.૫૦ ટકા જેટલો થવા જાય છે.
નવેમ્બર, ૨૦૧૬માં નોટબંધીના કાળમાં કરન્સી ઈન સર્ક્યુલેશનનો જે આંક હતો તેની સરખામણીએ હાલનો આંક અડધો ટકા ઓછો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે.
રવી અને ખરીફ મોસમના મજબૂત ઉત્પાદનને કારણે ગ્રામ્ય માગમાં વધારો થતાં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં વધારો જોવા મળ્યો હોવાની એક વિશ્લેષકે ધારણાં મૂકી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫માં દેશમાં બેન્ક ખાતેદારોએ એક એટીએમ દીઠ સરેરાશ રૂપિયા ૧.૩૦ કરોડ કાઢયા હતા એમ તાજેતરમાં એક રિપોર્ટમાં જણાવાયું હતું.