Get The App

ડિસેમ્બરમાં ઈ-વે બિલની સંખ્યા ઊંચી રહેતા માગમાં સુધારો થશે

- ઈ-વે બિલની માત્રા પરથી દેશમાં અર્થતંત્રની સ્થિતિનો અંદાજ મળે છે

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
ડિસેમ્બરમાં ઈ-વે બિલની સંખ્યા ઊંચી રહેતા માગમાં સુધારો થશે 1 - image


મુંબઈ : રાજ્યની અંદર અથવા એક રાજ્યથી બીજા રાજ્યમાં માલસામાનની હેરફેર માટે  વેપાર ગૃહો  દ્વારા ઈ-વે બિલ્સ અથવા ઈલેકટ્રોનિક સ્વરૃપમાં અપાતી મંજુરી જનરેટ કરવાની માત્રા ૨૦૨૪ના ડિસેમ્બરમાં વધી બે વર્ષની ઊંચી સપાટીએ રહી હતી.

 ૨૦૨૩ના ડિસેમ્બરની સરખામણીએ ઈ-વે બિલની સંખ્યા ૨૦૨૪ના આ મહિનમાં વધી ૧૧.૨૦ કરોડ પર પહોંચી ગઈ હતી, એમ ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ નેટવર્ક (જીએસટીએન) પોર્ટલના ડેટા જણાવે છે.

નવેમ્બર ૨૦૨૪માં ઈ-વે બિલની સંખ્યા ૧૦.૧૮ કરોડ સાથે પાંચ મહિનાની નીચી સપાટીએ રહી હતી. 

ઈ-વે બિલની માત્રા પરથી દેશમાં અર્થતંત્રની સ્થિતિનો અંદાજ મળી શકે છે. રૃપિયા ૫૦,૦૦૦થી વધુના કન્સાઈનમેન્ટ માટે ઈ-વે બિલ કઢાવવાનું જરૃરી બની રહે છે. 

ડિસેમ્બરમાં ઈ-વે બિલની ઊંચી સંખ્યાનું પ્રતિબિંબ ૧લી ફેબુ્રઆરીએ બહાર પડનારા જાન્યુઆરી જીએસટી વસૂલીના ડેટામાં જોવા મળશે. ઈ-વે બિલની સંખ્યામાં વધારાનો અર્થ દેશમાં માલસામાનની હેરફેર વધી છે. 

ઓકટોબરમાં તહેવારોની મોસમને કારણે માલસામાનની હેરફેર વધુ રહી હતી જેને કારણે ઈ-વે બિલની સંખ્યા વધી ૧૧.૭૨ કરોડ રહી હતી. 

ઓકટોબર ઉપરાંત ડિસેમ્બરમાં પણ ઈ-વે બિલની ઊંચી સંખ્યા દેશમાં ઉપભોગમાં વધારો થઈ રહ્યાના સંકેત આપે છે, એમ એક એકાઉન્ટિંગ પેઢીના સુત્રોએ જણાવ્યું હતું.

જાન્યુઆરીમાં જીએસટીની વસૂલી પણ ઊંચી જોવા મળવાની આનાથી સંભાવના રહેલી હોવાનું તેમણે ઉમેર્યું હતું. જો કે ડિસેમ્બરનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ઘટીને ૧૨ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો.


Google NewsGoogle News