આગામી બજેટમાં STT તથા CTTમાં રાહત પૂરી પાડવા સ્ટોક બ્રોકર્સોની માગ
- માર્કેટ ઈન્ટરમીડિયરિસને ઉદ્યોગનો દરજ્જો પૂરો પાડવા માગણી
- શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સમાં વેરા મુક્તિ અપાશે તો કામકાજ વધશે
મુંબઈ : નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટની રજુઆત કરતી વેળા સિક્યુરિટીઝ ટ્રાન્ઝકશન ટેકસ (એસટીટી) તથા કોમોડિટીઝ ટ્રાન્ઝકશન ટેકસ (સીટીટી)માંથી રાહતની જાહેરાત કરવાની બ્રોકર્સ તરફથી રજુઆત કરવામાં આવી છે.
શેરબજારમાં વોલ્યુમ અને સહભાગ વધારવા સ્ટોક બ્રોકર્સના સંગઠન ધ એસોસિએશન ઓફ નેશનલ એકસચેન્જિસ મેમ્બર્સ ઓફ ઈન્ડિયા દ્વારા એસટીટી તથા સીટીટીમાં રિબેટને ફરી દાખલ કરવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સિઝના અધ્યક્ષ નીતિન ગુપ્તાને દરખાસ્ત સુપરત કરવામાં આવી છે.
આ રાહત માટે કલમ ૮૮ઈ ફરી દાખલ કરવાની માગણી કરવામાં આવી હોવાનું એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.
ડેરિવેટિવ્સ તથા કોમોડિટીઝ સેગમેન્ટમાં એસટીટી તથા સીટીટીની વસૂલી માત્ર ભારતમાં જ થતી હોવાનો પણ એસોસિએશન વતિ દાવો કરાયો હતો. આ ઉપરાંત શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સમાં રૂપિયા એક લાખ સુધી વેરા મુક્તિની પણ માગણી કરાઈ છે.
હાલમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન પર ૧૫ ટકા ટેકસ વસૂલવામાં આવે છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર મળતા વેરા મુક્તિના લાભ ટૂંકા ગાળામાં થતા નફા પર નથી મળતા. આવા પ્રકારના વેપાર પર એસટીટી પણ ભરવાનો આવે છે.
શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન્સમાં રૂપિયા એક લાખ સુધી વેરા મુક્તિ અપાશે તો વેપાર કામકાજ વધી શકશે.
મૂડી બજારમાં વેપાર મારફત થતી આવકના વર્ગીકરણની સંખ્યા ઘટાડવી જોઈએ જેથી સટ્ટાકીય આવકમાં જોવા મળતા ભેદભાવ દૂર કરી શકાય. ઈન્ટ્રાડે કેશ માર્કેટના વેપાર મારફતની આવકને સટ્ટાકીય આવક ગણવામાં આવે છે, પરંતુ ઈન્ટ્રાડે ડેરિવેટિવ વેપારને બિઝનેસ ઈન્કમ તરીકે ગણવામાં આવે છે અને બન્ને પર અલગ રીતે વેરા વસૂલવામાં આવે છે.
આ ઉપરાંત સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં રજિસ્ટર્ડ હોય તેવા માર્કેટ ઈન્ટરમીડિયરિસને ઉદ્યોગનો દરજ્જો પૂરો પાડવા પણ એસોસિએશન વતિ રજુઆત કરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, શેરબજારની વર્તમાન તેજીને કારણે સરકારને એસટીટી મારફત જંગી આવક થતી હોવાનું પણ જોવા મળે છે.