દેશભરમાં રૂ.૪ કરોડથી વધુ કિંમતના વૈભવી ઘરોની માંગમાં 85%નો વધારો
- શહેરી વિસ્તારોના લોકોમાં આરામદાયક અને પ્રીમિયમ ઘરોની પસંદગી
- મોટાભાગના ખરીદદારો દિલ્હી-NCRના
નવી દિલ્હી : શહેરી વિસ્તારોના લોકો આધુનિક સુવિધાઓવાળા ઘરોમાં રહેવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. આ જ કારણ છે કે વૈભવી સેગમેન્ટમાં ઘરોનું વેચાણ ખૂબ વધી રહ્યું છે. ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં દેશના સાત મોટા શહેરોમાં ૪ કરોડથી વધુ કિંમતના ઘરોના વેચાણમાં એક વર્ષ પહેલાની સરખામણીમાં ૮૫%નો વધારો થયો છે. આ શહેરોમાં, લોકોએ આ સેગમેન્ટમાં ૭,૦૦૦થી વધુ ઘરો ખરીદ્યા છે.
ભમ્ઇઈ અને એસોચેમના સંયુક્ત અહેવાલ દર્શાવે છે કે વૈભવી ઘરોના ખરીદદારોની સૌથી વધુ સંખ્યા, ૫૭%, દિલ્હી-એનસીઆરથી આવી છે. આ વર્ષે જાન્યુઆરીથી જૂન દરમિયાન વૈભવી ઘરોના વેચાણમાં વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં સંપત્તિ સ્થિરતા શોધતા શ્રીમંત વ્યક્તિઓ અને એનઆરઆઈની માંગને કારણે પણ વધારો થયો છે.
શહેરોની દ્રષ્ટિએ, દિલ્હી-એનસીઆરએ લક્ઝરી માર્કેટમાં પ્રભુત્વ મેળવ્યું છે અને કુલ ૭,૦૦૦ લક્ઝરી ઘરોમાંથી, અહીંના લોકોએ લગભગ ૪,૦૦૦ ઘરો ખરીદ્યા છે. તે પછી, મુંબઈ ૧,૨૪૦ યુનિટ સાથે બીજા ક્રમે રહ્યું. પરંપરાગત રીતે મધ્યમ આવક જૂથ બજારો તરીકે ઓળખાતા ચેન્નાઈ અને પુણેએ આ વર્ષના પ્રથમ છ મહિનામાં કુલ લક્ઝરી ઘર વેચાણમાં લગભગ ૫ ટકા હિસ્સો આપ્યો હતો.
જો કે, આ સમયગાળા દરમિયાન કુલ ૭,૩૦૦ લક્ઝરી યુનિટ પણ ઓફર કરવામાં આવ્યા હતા, જે એક વર્ષ પહેલાના સમાન સમયગાળા કરતા ૩૦ ટકા વધુ છે. વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં, દિલ્હી-એનસીઆર, મુંબઈ અને હૈદરાબાદમાં ૯૦ ટકા લક્ઝરી પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા.
આ ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે વર્ષના બીજા ભાગમાં પણ બજારનો આ વેગ અકબંધ રહેવાની શક્યતા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઝડપી શહેરીકરણ, અનુકૂળ વસ્તી વિષયક લાભાંશ, શહેરો પ્રત્યે લોકોનું આકર્ષણ અને આવકમાં વધારો રહેણાંક બજારની વૃધ્ધિને વેગ આપશે.