બેંક ડિપોઝીટમાં ઘટાડો બીજીતરફ મ્યુ. ફંડ અને શેરબજારમાં રોકાણનો ગાડરિયો પ્રવાહ
- ઘરેલુ ક્ષેત્રનો ડિપોઝીટ બેઝમાં હિસ્સો માર્ચ ૨૦૨૦ના ૬૪ ટકાથી ઘટીને માર્ચ ૨૦૨૫માં ૬૦ ટકા થઈ ગયો
- રોકાણકારોના વલણમાં મોટો ફેરફાર

અમદાવાદ : ભારતીય અર્થવ્યવસ્થા અને ઈન્વેસ્ટમેન્ટ સાયકલમાં આજના આ 'ન્યૂ યંગ ઈન્ડિયા'માં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રોકાણકારો હવે જુના પરંપરાગત રોકાણ માધ્યમોને બદલે નવા ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ અપનાવી રહ્યાં છે. એક સમયે રોકાણકારો બેંક ડિપોઝીટ અને ફિક્સ્ડ ડિપોઝીટ (એફડી) તરફ ઝુકાવ ધરાવતા હતા, પરંતુ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
રેટિંગ એજન્સી ક્રિસિલના અહેવાલ મુજબ રોકાણકારો હવે બેંકોમાં તેમની ડિપોઝીટ રાખવાને બદલે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય ઉચ્ચ-વળતર આપતા વિકલ્પોમાં રોકાણ કરી રહ્યા છે.
ક્રિસિલના તાજેતરના રિપોર્ટ અનુસાર બેંકિંગ સિસ્ટમમાં ડિપોઝીટ માળખું ઝડપથી બદલાઈ રહ્યું છે. ફિક્સ્ડ ડિપોઝીટમાં ઘટાડો અને ચાલુ અને બચત ખાતા (કાસા) બેલેન્સના ઘટતા હિસ્સામાં આ ફેરફાર વધુ સ્પષ્ટ છે. એજન્સીએ ચેતવણી આપી હતી કે આ વલણ મધ્યમથી લાંબા ગાળામાં બેંકો માટે પડકારો ઉભા કરી શકે છે, ખાસ કરીને રોકડની તંગી અથવા પ્રવાહિતા સંકટના સમયમાં સ્થિતિ ખરાબ બની શકે છે.
ક્રિસિલના મતે, થાપણદારો હવે ઉચ્ચ-વળતર રોકાણો તરફ આગળ વધી રહ્યા છે. પરંપરાગત બેંક ડિપોઝીટને બદલે, લોકો કેપિટલ માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છે, જે બેંક ડિપોઝીટ વૃદ્ધિ પર દબાણ લાવી રહ્યું છે. આ પરિવર્તન બેંકિંગ સિસ્ટમની પરિપક્વતાને પ્રતિબિંબિત કરે છે પરંતુ ડિપોઝીટ સ્થિરતાને પણ નબળી બનાવી શકે છે.
ઘરેલુ ક્ષેત્ર(હાઉસહોલ્ડ સેક્ટર)નો ડિપોઝીટ બેઝમાં હિસ્સો માર્ચ ૨૦૨૦ના ૬૪ ટકાથી ઘટીને માર્ચ ૨૦૨૫માં ૬૦ ટકા થઈ ગયો. ક્રિસિલનો અંદાજ છે કે આગામી વર્ષોમાં આ હિસ્સો વધુ ઘટી શકે છે. નબળો થઈ રહેલો આ રેશિયો બેંકોના ઉધાર ખર્ચ પર સીધી અસર કરશે, કારણકે તેમને ડિપોઝીટરોને આકર્ષવા માટે ઊંચા વ્યાજ દર ઓફર કરવા પડી શકે છે અથવા બજારમાંથી ઉધાર લેવું પડી શકે છે.
તાજેતરમાં, નાણા મંત્રાલયે બેંકોને કાસા ડિપોઝીટ સુધારવા અને એમએસએમઈ અને કૃષિ ક્ષેત્રને ધિરાણ વધારવા જણાવ્યું હતું. મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાસા ડિપોઝીટમાં સુધારો કરવાથી બેંકોને અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોને ધિરાણ આપવામાં મદદ મળશે.