સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો ડિસેમ્બરનો સંયુકત PMI વધીને 11 વર્ષની ટોચે
- 2023 માટે કંપનીઓના આશાવાદી સૂરથી અર્થતંત્રમાં ઓલ ઈઝ વેલના સંકેત
મુંબઈ : ઉત્પાદન ક્ષેત્ર બાદ ડિસેમ્બરની સેવા ક્ષેત્રની કામગીરી પણ પ્રોત્સાહક રહેતા દેશના આર્થિક ક્ષેત્રમાં ઓલ ઈઝ વેલ હોવાનું જણાય રહ્યું છે. ડિસેમ્બરનો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ (પીએમઆઈ) ૬ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે જ્યારે ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો મળીને સંયુકત ઈન્ડેકસ ૧૧ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે.
ભારત માટેનો એસએન્ડ પી ગ્લોબલ સેવા ક્ષેત્રનો પીએમઆઈ જે નવેમ્બરમાં ૫૬.૪૦ રહ્યો હતો તે ડિસેમ્બરમાં વધી ૫૮.૫૦ રહ્યો છે. આ અગાઉ સોમવારે જાહેર થયેલો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૫૭.૮૦ સાથે ૨૬ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો. આમ સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ જે નવેમ્બરમાં ૫૬.૭૦ હતો તે ડિસેમ્બરમાં વધી ૫૯.૪૦ સાથે અગિયાર વર્ષની ઊંચી સપાટીએ જોવા મળ્યો છે.
૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. ડિસેમ્બરનો સેવા ક્ષેત્રનો ઈન્ડેકસ સતત ૧૭માં મહિને ૫૦થી ઉપર રહ્યો છે.
સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ ૨૦૨૩ માટે આશાવાદી સૂર ધરાવે છે એમ એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સના અર્થશાસ્ત્રી દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું.
ડિસેમ્બરમાં ફુગાવાનો પ્રવાહ મિશ્ર રહ્યો હતો. ડિસેમ્બરમાં સેવા ક્ષેત્રની કંપનીઓના નવા ઓર્ડરમાં વધારો જોવા મળ્યો હતો. બજારની સાનુકૂળ સ્થિતિને પરિણામે ઓર્ડરમાં વધારો જોવા મળ્યો હોવાનું કંપનીઓ માની રહી છે.
સેવા ક્ષેત્રમાં ઓર્ડરની સાથોસાથ રોજગારમાં પણ વૃદ્ધિ રહી હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું. સેવા ક્ષેત્રમાં ફાઈનાન્સ તથા વીમા સેગમેન્ટના કામકાજમાં જોરદાર વધારો થયો છે.
ઊર્જા, અન્ન તથા કર્મચારી અને પરિવહન પાછળના ખર્ચમાં વધારો થતાં સેવા પૂરી પાડવા પાછળની કિંમતોમાં વધારો થયાનું પણ કંપનીઓ દ્વારા જણાવાયું હતું. સેવા ક્ષેત્રે કાચા માલનો ફુગાવો લાંબા ગાળાની સરેરાશ કરતા ઊંચો રહ્યો હતો.