અમદાવાદ : આટફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના વધતા ઉપયોગ અને ઉર્જા-સઘન કાર્યભારની જરૂરિયાતને કારણે વિશ્વભરમાં ડેટા સેન્ટરોની માંગ વધી છે. ૨૦૨૫માં ડેટા સેન્ટર ડીલ્સ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. એસ એન્ડ પી ગ્લોબલ અનુસાર આ વર્ષે ડેટા સેન્ટર સેક્ટરમાં રોકાણ ૬૧ અબજ ડોલરને પાર નીકળ્યું છે, જે ૨૦૨૪માં ૬૦.૮ અબજ ડોલર આસપાસ હતુ.
આ ઉછાળો એવા સમયે આવ્યો છે જ્યારે રોકાણકારો એઆઈ કંપનીઓના ઊંચા વેલ્યુએશન અને ડેટા સેન્ટરો માટે મોટા પાયે ભંડોળ એકત્ર કરવા અંગે ચિંતિત છે. નવેમ્બરમાં વિશ્વભરના શેરબજારોમાં વેચવાલી જોવા મળી હતી કારણ કે રોકાણકારોમાં એઆઇનો ફૂગ્ગો ફુટવાનો ડર હતો.
ડેટા સેન્ટરોમાં રેકોર્ડ ઈન્વેસ્ટમેન્ટ પાછળ ડેટ અર્થાત્ દેવા-આધારિત ભંડોળે મુખ્ય ભૂમિકા ભજવી છે. મોટી ટેક કંપનીઓ હવે મોંઘા ઇન્ફ્રાસ્ટ્રકચરને જાતે ફંડ કરવાના બદલે ખાનગી ઇક્વિટી અને ડેટ બજારો તરફ વળ્યા છે.
આ વલણે ડેટા સેન્ટરોની અત્યાધુનિક ટેકનોલોજીના સાચા મૂલ્ય પર પ્રશ્ન ઉઠાવી રહેલા કેટલાક રોકાણકારોમાં ચિંતા ઉભી કરી છે. મિશિગનમાં ૧૦ અબજ ડોલરના ડેટા સેન્ટર પ્રોજેક્ટમાંથી બ્લુ આઉલ કેપિટલે ફંડિંગ નકાર્યાના અહેવાલથી ક્લાઉડ કંપની ઓરેકલમાં કડાકો નોંધાયો હતો.
એસ એન્ડ પી ગ્લોબલ અનુસાર ૨૦૨૫ના પ્રથમ ૧૧ મહિનામાં ૧૦૦થી વધુ ડેટા સેન્ટર સોદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનું કુલ મૂલ્ય ૨૦૨૪ કરતા વધુ હતું. તેમાંથી મોટાભાગના સોદા અમેરિકામાં જ થયા હતા, ત્યારબાદ એશિયા-પેસિફિક ક્ષેત્રનો ક્રમ આવે છે. આઈએનજી અનુસાર, યુએસમાં ડેટા સેન્ટર રોકાણ યુરોપ કરતા પાંચ ગણું વધારે હોઈ શકે છે. દરમિયાન, ગલ્ફ દેશો પણ આગામી વૈશ્વિક એઆઈ હબ તરીકે પોતાને સ્થાન આપવા માટે ઝડપથી રોકાણ કરી રહ્યા છે.
જોકે ૨૦૨૫માં દેવું જારી કરવાનો આંકડો ૧૮૨ અબજ ડોલરે પહોંચ્યો છે જે ગત વર્ષે ૯૨ અબજ ડોલરે હતો. મેટા, ગૂગલ અને એમેઝોન જેવા દિગ્ગજો પણ દેવા આધારિત ફંડિંગ તરફ વળ્યા છે. નિષ્ણાતોના મતે ડેટા સેન્ટર સેક્ટરમાં ૨૦૨૬માં મર્જર અને એક્વિઝિશન પ્રવૃત્તિઓને વેગ મળી શકે છે, જેનાથી મૂલ્યાંકન વધુ ઊંચું થઈ શકે છે.


