મુંબઈ : યુદ્ધને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતા તથા કંપનીઓ દ્વારા વધી રહેલી કર્મચારીઓની છટણીને પરિણામે ઉપભોગતાઓ દ્વારા લકઝરી કહેવાય એવા ખર્ચ પર કાપ મૂકવામાં આવી રહ્યો છે અને આવશ્યક હોય તેવા ખર્ચ પર જ ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે.
ઈરાન તથા અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણા પડી ભાંગતા ઉપભોગતાઓ ખર્ચ કરવામાં સાવચેતી ધરાવવાનું ચાલુ રાખશે એમ એક રિટેલ ચેઈનના સીઈઓએ જણાવ્યું હતું. ઉપભોગતાઓ હાલમાં મોંઘા ગારમેન્ટસ ખરીદવાનુ ંટાળી રહ્યા છે.
જો કે આવનારી લગ્નસરાની મોસમમાં માગ નીકળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ગ્રાહકો સ્ટોર્સ ખાતે ખર્ચ પર કાપ મૂકવાની સાથોસાથ હાલમાં પરવડી શકે તેવી જ ચીજવસ્તુઓ પર પસંદગી ધરાવી રહ્યા છે એમ એક ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સના સુત્રોએ જણાવ્યું હતું.
ઉપભોગતા હાલમાં લકઝરી સામાનની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. યુદ્ધને કારણે દરેક પ્રકારના વેપાર કામકાજ પર અસર પડી છે.
એક તરફ સંઘર્ષની સ્થિતિ જ્યારે બીજી બાજુ કંપનીઓ દ્વારા કર્મચારીઓની છટણીમાં વધારાને કારણે યુવાવર્ગ તરફથી ખાસ કરીને નોકરિયાત વર્ગ દ્વારા પણ ખર્ચ પર કાપ મુકાઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.
યુદ્ધને કારણે ક્રુડ તેલના ભાવ ઊંચે જતા કંપનીઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે જેને પગલે પ્રોડકટસની કિંમતોમાં વધારો કરવાની ફરજ પડી રહી છે. ક્રુડના ઊંચા ભાવે ફુગાવાજન્ય સ્થિતિ પેદા કરી છે.
ખાદ્ય તેલ, પીણાં તથા કન્ઝયૂમર ડયૂરેબલ્સનું ઉત્પાદન કરતી અનેક કંપનીઓએ કિંમતમાં વધારો કર્યો છે.


