અમેરિકા સામે ચીનના વળતા ટેરિફ બાદ ક્રિપ્ટો કરન્સીમાં મોટી વધઘટ
- સોવેરિન વેલ્થ ફન્ડ ઊભુ કરવા ટ્રમ્પનો ઓર્ડર ડિજિટલ કરન્સી માટે પોઝિટિવ
મુંબઈ : અમેરિકાના ટેરિફની સામે ચીને વળતા ટેરિફ લાગુ કરવાની જાહેરાત કર્યા બાદ ક્રિપ્ટોકરન્સીસમાં મંગળવારે મોટી વધઘટ જોવા મળી હતી. મેક્સિકો તથા કેનેડાના માલસામાન પર ટેરિફ લગાડવાનો નિર્ણય એક મહિનો મોકૂફ રખાયાની ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ બિટકોઈનની આગેવાની હેઠળ ક્રિપ્ટો કરન્સીસમાં વીસ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. અમેરિકામાં સોવેરિન વેલ્થ ફન્ડ ઊભુ કરવા માટે ટ્રમ્પે ઓર્ડર જારી કરતા તેને ક્રિપ્ટોકરન્સીસ માર્કેટ માટે પોઝિટિવ માનવામાં આવે છે.
ચીને વળતા પ્રહાર તરીકે અમેરિકાના માલસામાન પર ટેરિફ લગાડતા ક્રિપ્ટોસમાં ઊંચા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી.
મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન છેલ્લા ચોવીસ કલાકમાં ઉપરમાં ૧,૦૨,૦૦૦ ડોલર અને નીચામાં ૯૪૨૫૩ ડોલર થઈ મોડી સાંજે ૯૯૩૦૦ ડોલર કવોટ થતો હતો. અન્ય ક્રિપ્ટો એથરમ પણ ૨૯૧૮ ડોલર તથા ૨૫૩૩ ડોલર વચ્ચે અથડાઈને ૨૭૭૪ ડોલર કવોટ થતો હતો. આ ઉપરાંત એકસઆરપી, સોલાના, ડોજમાં વીસ ટકા સુધીનો ઉછાળો આવ્યા બાદ તેમાં પીછેહઠ આવી હતી.
ચીન તથા અમેરિકા વચ્ચેની ટ્રેડ વોરને કારણે રિસ્કી એસેટસમાં જોખમ લેવાનું ખેલાડીઓનું માનસ ઘટી ગયું છે.
જો કે ચીને લાગુ કરેલા વળતા પ્રહારની અમેરિકાના અર્થતંત્ર પર કેવી અસર પડશે તેના અંદાજિત અહેવાલો હજુ જોવા મળતા નથી. ટ્રેડવોરને કારણે ક્રિપ્ટોસ માર્કેટમાં ટૂંકા ગાળે વોલેટિલિટી જોવા મળવાની ધારણાં મૂકવામાં આવી રહી છે.
દરમિયાન સોવેરિન વેલ્થ ફન્ડ ઊભુ કરવાના એક્ઝિકયૂટિવ ઓર્ડર પર ટ્રમ્પે કરેલી સહી ક્રિપ્ટો બજાર માટે પોઝિટિવ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીસ એકઠી કરવા અમેરિકન સરકાર માટે આ ફન્ડ એક સાધન તરીકે કામ કરશે તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે.