ચીનની ખરીદી ના પગલે ક્રૂડના ભાવ ઝડપથી ઉછળ્યા
- કરન્સી બજારમાં બ્રિટીશ પાઉન્ડ ઉછળી રૂ.૯૩ કુદાવી ગયો : યુરોના ભાવ ગબડયા: વિશ્વ બજારમાં યુરો તૂટી ત્રણ વર્ષના તળિયે ઉતર્યો
સોના-ચાંદીના ભાવમાં આગળ વધતો ધીમો સુધારો
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 14 ફેબુ્રઆરી 2020, શુક્રવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ધીમો સુધારો આગળ વધ્યો હતો. જ્યારે કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલર તથા બ્રિટીશ પાઉન્ડના ભાવ ઉંચકાયા હતા સામે યુરોના ભાવ નીચા ઉતર્યા હતા. વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઉછળ્યા હતા. ચીનની વિવિધ મોટી ઓઈલ રિફાઈનરીઓએ વિશ્વ બજારમાંથી ક્રૂડતેલની ફરીથી મોટા પાયે ખરીદી શરૂ કર્યાના વાવડ હતા અને તેના પગલે વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઝડપથી ઉંચકાયાના સમાચાર મળ્યા હતા.
દરમિયાન, મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૪૦૬૦૩ વાળા રૂ.૪૦૬૨૯ થઈ રૂ.૪૦૬૧૭ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવ રૂ.૪૦૭૬૬ વાળા રૂ.૪૦૭૯૨ થઈ રૂ.૪૦૭૮૦ બંધ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ નીચામાં ઔંશના ૧૫૭૩.૪૦ ડોલર રહ્યા પછી ઉંચામાં ભાવ ૧૫૭૮.૫૦ ડોલર થઈ સાંજ ભાવ ૧૫૭૬.૭૦ ડોલર રહ્યા હતા.
મુંબઈ ચાંદી બજારમાં આજે કિલોના ભાવ જીએસટી વગર ૯૯૯ના રૂ.૪૫૮૯૦ વાળા રૂ.૪૬૦૦૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૪૬૦૫૦થી ૪૬૧૦૦ તથા કેશમાં ભાવ આ ભાવથી રૂ.૧૧૫૦થી ૧૨૦૦ ઉંચા રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવતી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના નીચામાં ૧૭.૬૫ ડોલર તથા ઉંચામાં ૧૭.૭૪ ડોલર થઈ સાંજે ભાવ ૧૭.૭૦ ડોલર રહ્યા હતા.
દરમિયાન મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૭૧.૩૩ વાળા ઉંચામાં ૭૧.૪૨ થઈ રૂ.૭૧.૩૬ બંધ રહ્યા હતા. ડોલરના ભાવ આજે ૩ પૈસા વધ્યા હતા. જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૪૪ પૈસા ઉછળી ૯૩ વટાવી ઉંચામાં ભાવ ૯૩.૨૦ થઈ છેલ્લે બંધ રૂ.૯૩.૦૪ થી ૯૩.૦૫ રહ્યા હતા. બ્રિટનમાં ચાન્સેલરની એક્ઝીટ થતાં ત્યાં સ્ટીમ્યુલ્સ વધવાની શક્યતા વચ્ચે બ્રિટીશ પાઉન્ડના ભાવ ઉછળ્યા હતા. જોકે યુરોના ભાવ આજે ૧૩ પૈસા ઘટી રૂ.૭૭.૩૯થી ૭૭.૪૦ રહ્યા હતા.
દરમિયાન વિશ્વ બજારમાં આજે યુરોના ભાવ ગબડી ૩ વર્ષના તળિયે જતા રહ્યાના સમાચાર હતા. ચીનના વાયરસ વિશે સંશોધન કરવા અમેરિકાની ટીમ ચીન જવાની હોવાના નિર્દેશોએ ચીનના આ ઘાતક વાયરસનો ઉપદ્રવ કન્ટ્રોલમાં આવશે એવી આશા બંધાતા અમેરિકાના શેરબજારો આજે ઉંચા ગયા હતા. યુરોપના શેરબજારો પણ આજે વધ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ દોઢથી પોણા બે ટકા ઉછળ્યાના સમાચાર હતા. બ્રેન્ટક્રૂડ તેલના ભાવ આજે વધી બેરલદીઠ સાંજે ૫૭ ડોલર વટાવી ૫૭.૩૦ ડોલર રહ્યા હતા જ્યારે ન્યુયોર્કના ભાવ વદી સાંજે ૫૨ ડોલર વટાવી ૫૨.૧૯ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના સાંજે વધી ૯૭૨.૧૫થી ૯૭૨.૨૦ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ વધી સાંજે ૨૪૦૦ ડોલર વટાવી ૨૪૪૮.૩૦થી ૨૪૪૮.૪૦ ડોલર રહ્યા હતા.
કોપરના ભાવ જોકે ન્યુયોર્ક વાયદા બજારમાં આજે સાંજે ઘટી ૦.૪૫થી ૦.૫૦ ટકા માઈનસમાં રહ્યા હતા. લંડન બજારમાં આજે કોપરના ભાવ ટનના ૩ મહિનાની ડિલીવરીના ૫૭૭૦થી ૫૭૭૫ ડોલર રહ્યા હતા. ત્યાં કોપરનો સ્ટોક આજે ૨૧૭૫ ટન ઘટયો હતો. અમેરિકાના સમાચાર મુજબ ત્યાં જોબલેસ કલેઈમ્સ બેરોજગારીના દાવાઓ ઘટતા અટકી ૨૦૦૦ વધી ૨ લાખ પાંચ હજાર થયાના સમાચાર હતા.