Get The App

સપ્લાય વધતા 2027 સુધીમાં ક્રૂડ 30 ડોલર સુધી તૂટશે: મોર્ગનની આગાહી

- ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૧૪ ટકાનો ઘટાડો નોંધાયો: વિવિધ ક્ષેત્રને સીધો ફાયદો થશે

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
સપ્લાય વધતા 2027  સુધીમાં ક્રૂડ 30  ડોલર સુધી તૂટશે: મોર્ગનની આગાહી 1 - image


અમદાવાદ : વિશ્વભરમાં અનિશ્ચિત્તાના માહોલ વચ્ચે ક્રૂડ અને કોમોડિટીના ભાવમાં જોરદાર કરંટની અપેક્ષા હોય છે પરંતુ આગામી સમયમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે કડાકાની આશંકા વ્યકત કરવામાં આવી છે. એક રિપોર્ટમાં આગામી બે વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાની આગાહી વ્યકત કરવામાં આવી છે. 

જેપી મોર્ગનનો અંદાજ છે કે ૨૦૨૭ સુધીમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો સપ્લાય એટલો બધો વધી જશે કે કિંમત પ્રતિ બેરલ ૩૦ ડોલર સુધી ઘટી શકે છે. રિપોર્ટ અનુસાર ૨૦૨૬માં બ્રેન્ટ ક્રૂડ ૬૦ ડોલરથી નીચે આવી શકે છે અને વર્ષના અંત સુધીમાં ૫૦ ડોલરની રેન્જમાં ગગડી શકે છે.

૨૦૨૭ના વર્ષમાં પરિસ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે. રિપોર્ટ અનુસાર વધતા સપ્લાય અને સરપ્લસને કારણે બ્રેન્ટનો સરેરાશ ભાવ ૪૨ ડોલર સુધી પહોંચી શકે છે. આ સિવાય ગોલ્ડમેન સાક્સે પણ ચેતવણી આપી હતી કે યુએસ બેન્ચમાર્ક ડબલ્યુટીઆઈ ક્રૂડનો સરેરાશ ભાવ ૨૦૨૬માં ૫૩ ડોલર થઈ શકે છે કારણકે બજારમાં દરરોજ આશરે ૨૦ લાખ બેરલનો સરપ્લસ સપ્લાય છે. ગોલ્ડમેન સાક્સે રોકાણકારોને હવે ક્ડ ઓઈલનો સંગ્રહ ઓછો કરવાની સલાહ આપી છે. ૨૦૨૬માં સરપ્લસ વધીને ૨૮ લાખ બેરલ પ્રતિ દિવસ થઈ શકે છે પરંતુ ૨૦૨૭માં બજાર ફરીથી સંતુલિત થઈ શકે છે. આ વર્ષે અત્યાર સુધીમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. બેરલ દીઠ પ્રત્યેક ૧ ડોલરનો ઘટાડો ભારતની ચાલુ ખાતાની ખાધ (સીએડી)માં વાર્ષિક આશરે ૧.૫થી ૧.૬ અબજ ડોલરનો ઘટાડો કરે છે. પ્રતિ બેરલ ભાવમાં ૧૦ ડોલરનો ઘટાડો ચાલુ ખાતાની ખાધને જીડીપીના ૦.૫ ટકા સુધી સુધારી શકે છે.

ભાવમાં ઘટાડાનો ફાયદો રિફાઇનરી અને માર્કેટિંગ કંપનીઓ જેવી કે એચપીસીએલ, બીપીસીએલ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને થઈ શકે છે. સ્થાનિક ભાવ સ્થિર રહેશે તો કંપનીઓને ઓછા ઇનપુટ ખર્ચનો ફાયદો થશે, જે રિફાઇનિંગ અને માર્કેટિંગ માજનને વેગ આપી શકે છે.

આ સિવાય એપોલો ટાયર્સ, જેકે ટાયર, એમઆરએફ જેવી ટાયર કંપનીઓ તેમના ખર્ચના ૫૦ ટકા માટે સિન્થેટિક રબર અને કાર્બન બ્લેક જેવા ક્રૂડ-આધારિત ઇનપુટ પર આધાર રાખે છે તેથી તેમને ભાવ ઘટાડાનો સીધો લાભ મળશે.

પેઈન્ટ કંપનીઓના કુલ ખર્ચમાં ૩૦થી ૪૦ ટકા હિસ્સો માત્ર ક્રૂડ ઓઈલનો હોય છે તેથી એશિયન પેઇન્ટ્સ, બર્જર પેઇન્ટ્સ, કાન્સાઇ નેરોલેક, પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ માટે પડતર ઘટતા માર્જિનમાં સુધારો આવી શકે છે. સસ્તા તેલનો સૌથી વધુ ફાયદો એવિયેશન સેક્ટરને મળશે. ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી લિસ્ટેડ એરલાઈન્સને સસ્તા ક્રૂડના નોંધપાત્ર લાભ મળી શકે છે.

Tags :