રેપો રેટમાં એકંદર એક ટકા ઘટાડાને જોતા ધિરાણ વૃદ્ધિ ઊંચી રહેશે
- ગત નાણાં વર્ષમાં લોન વૃદ્ધિ પ્રમાણમાં મંદ રહી
મુંબઈ : સમાપ્ત થયેલા જૂન ત્રિમાસિકમાં દેશની બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણ કરતા થાપણમાં વધુ વૃદ્ધિ જોવા મળી હતી. ધિરાણમાં વાર્ષિક ધોરણે ૯.૫૦ ટકા જ્યારે થાપણમાં ૧૦.૧૦ ટકા વૃદ્ધિ જોવા મળી હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ધિરાણ વૃદ્ધિ મંદ રહી હતી પરંતુ રેપો રેટમાં ઘટાડાને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષમાં ધિરાણમાં વધારો થવા અપેક્ષા છે.
નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં ધિરાણ વૃદ્ધિ સામાન્ય રીતે મંદ રહેતી હોય છે, કારણ કે ઉનાળુ વાવેતર તથા ચોમાસાની ઋતુને પરિણામે ઉપભોગ તથા ઈન્વેસ્ટમેન્ટ પર અસર થતી હોય છે એમ બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું.
૨૭ જૂનના અંતે બેન્કિંગ વ્યવસ્થામાં એકંદર થાપણ આંક રૂપિયા ૨૩૪.૨૫ લાખ કરોડ રહ્યો હતો જ્યારે ધિરાણ આંક રૂપિયા ૧૮૪.૮૩ લાખ કરોડ રહ્યો હતો.
સમાપ્ત થયેલા સંપૂર્ણ નાણાં વર્ષ ૨૦૨૫માં ધિરાણ વૃદ્ધિ ૧૧ ટકા રહી હતી જે નાણાં વર્ષ ૨૦૨૪માં ૨૦ ટકા જોવા મળી હતી. વર્તમાન કેલેન્ડર વર્ષમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં એકંદરે ૧૦૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરતા નાણાં વર્ષ ૨૦૨૬માં ધિરાણમાં વૃદ્ધિ જોવા મળવાની અપેક્ષા છે. રેપો રેટમાં ઘટાડાને પરિણામે લોન મેળવવાનું સસ્તુ થયું છે. વર્તમાન નાણાં વર્ષમાં લોન વૃદ્ધિ ૧૨થી ૧૩ ટકા જેવા મળવાની બેન્કિંગ ક્ષેત્રના આગેવાનો અપેક્ષા રાખી રહ્યા છે.