તમે SBIનું ક્રેડિટ કાર્ડ વાપરો છે? 1 સપ્ટેમ્બરથી નિયમ બદલાશે, જાણો કયો ફાયદો નહીં મળે
SBI Credit Cards New Rules: એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ ધરાવતા લોકો માટે મહત્ત્વના સમાચાર છે. આગામી મહિનાની પહેલી તારીખથી અર્થાત 1 સપ્ટેમ્બર, 2025થી એસબીઆઈ કાર્ડ્સ પોતાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. જેની સીધી અસર કાર્ડધારકો પર થશે. એસબીઆઈ કાર્ડસે આ અંગે નોટિફિકેશન જાહેર કરી માહિતી આપી હતી.
એસબીઆઈ કાર્ડ્સ દ્વારા જાહેર નોટિફિકેશન અનુસાર, 1 સપ્ટેમ્બરથી અમુક કાર્ડ્સ પર રિવોર્ડ પોઈન્ટ દૂર કરવામાં આવશે. લાઈફ સ્ટાઈલ હોમ સેન્ટર એસબીઆઈ કાર્ડ, લાઈફ સ્ટાઈલ હોમ સેન્ટર એસબીઆઈ કાર્ડ સિલેક્ટ અને લાઈફ સ્ટાઈલ હોમ સેન્ટર એસબીઆઈ કાર્ડ પ્રાઈમના ધારકોને મળતાં લાભોમાં ઘટાડો કરવામાં આવશે. અમુક ટ્રાન્ઝેક્શન પર મળતાં એસબીઆઈ રિવોર્ડ પોઈન્ટ્સ પણ દૂર કરાશે.
હવે ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ નહીં
1 સપ્ટેમ્બરથી બદલાઈ રહેલા નિયમો મુજબ, એસબીઆી કાર્ડ્સે પોતાના ક્રેડિટ કાર્ડ્સ મારફત ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર થતાં કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર હવે કોઈ રિવોર્ડ પોઈન્ટ આપવાનો ઈનકાર કર્યો છે. તેમજ સરકારી ટ્રાન્ઝેક્શન તેમજ સરકારી સેવાઓ પર થતાં ટ્રાન્ઝેક્શન પર પણ કોઈ રિવોર્ડ પોઈન્ટ મળશે નહીં. વધુમાં પોતાની નોટિફિકેશનમાં બેન્ક તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ પ્રકારનો નિયમ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર પણ લાગુ થશે.
આ પણ વાંચોઃ 'જ્યાં બેસ્ટ ડીલ મળશે ત્યાંથી ઓઈલ ખરીદીશું...' ટેરિફ વૉર વચ્ચે ભારતીય રાજદૂતની સ્પષ્ટતા
પ્લાન ટ્રાન્સફર કરાશે
એસબીઆઈ કાર્ડ્સે 16 સપ્ટેમ્બર, 2025થી તમામ કાર્ડ પ્રોટેક્શન પ્લાનને સંબંધિત રિન્યુએબલ તારીખના આધારે અપડેટ કરવામાં આવેલા પ્લાનમાં ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી છે. એસબીઆઈ કાર્ડ્સ આ સૂચના અંગે જાણ નિર્ધારિત તારીખના 24 કલાક પહેલાં એસએમએસ તથા ઈમેઈલ મારફત કરશે.
ગતમહિને બંધ કરી હતી આ સેવા
એસબીઆઈ કાર્ડ્સ પોતાના ક્રેડિટ કાર્ડના નિયમોમાં સતત ફેરફાર કરી રહ્યું છે. અગાઉ જુલાઈ અને ઓગસ્ટમાં પણ મોટા ફેરફારો કર્યા હતા. જેમાં એસબીઆઈ કાર્ડ્સે પોતાના વિવિધ ક્રેડિટ કાર્ડ્સ પર મળતાં કોમ્પ્લિમેન્ટરી એર એક્સિડન્ટ કવરેજ સેવા બંધ કરી હતી. જે રૂ. 50 લાખથી વધુ રૂ. 1 કરોડ સુધીનું હતું. આ ફેરફાર તમામ એસબીઆઈ ઈલાઈટ, એસબીઆઈ પ્રાઈમ કાર્ડ યુઝર્સ માટે લાગુ છે.